Western Times News

Gujarati News

ધારાસભ્યના ભત્રીજાના ઘરે 7000 દારૂની બોટલો પડી છે એવી બાતમી મળતાં જ પોલીસે રેડ કરી

પ્રતિકાત્મક

ખેડા,  ખેડા જિલ્લાના માતરમાં એક ઘરમાંથી ૨૧ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાતા ચકચાર મચી છે. કારણ કે, જેના ઘરમાંથી આ દારૂની ૭૦૦૦થી વધુ બોટલો મળી આવી છે તે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજાનું હોવાનું કહેવાય છે.

બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ભલાડા ગામે રેડ કરીને ૨૧.૪૯ લાખના દારૂ પકડવાની સાથે બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ભલાડા ગામે હરસિદ્ધિપુરા વિસ્તારમાં રહેતો બુટલેગર વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઈ પરમારે પોતાના ઘરે મોટી માત્રામાં દારૂ ઉતાર્યો છે.

જેથી એલસીબીએ એક ટીમ બનાવીને રેડ કરતા વિજય પરમાર તેમજ ગોવિંદ દાનાજી કનાજી પ્રજાપતિને દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી. દારૂની ૭૦૦૦થી વધુ બોટલ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને બંનેને પકડીને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

દારૂનો જથ્થો કબજે કર્યા બાદ ગણતરી કરતા વિદેશની દારૂની ૭૧૪૦ બોટલની કિંમત ૨૧.૪૯ લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો કોની પાસેથી લવાયો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ તાલુકાના વલાસણ ગામે ખુલ્લા ખેતરમાં દારૂનું કટિંગ કરતા ચાર શખસોને આણંદ એલસીબીએ ૧.૬૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. ઘટનાની વિગતો એવી છે કે, આણંદ એલસીબી દારૂ-જુગારની બદી અટકાવવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, આણંદ તાલુકાના વલાસણ ગામે રહેતો અલ્પેશ બંસીલાલ પટેલ જે અગાઉ દારૂના ગુનામાં પકડાયેલો છે અને વલાસણ ગામે રહેતા જયેશ વિજયફાઈ તળપદા સાથે મળીને બહારથી વિદેશી દારૂ મંગાવીને વલાસણ ગામે રાવજીભાઈની ખરી પાછળ ખુલ્લા ખેતરમાં દારૂ ઉતારીને કટિંગ કરવાની ફિરાકમાં છે.

જેથી એલસીબીએ ટીમ બનાવીને ત્યાં રેડ કરીને અલ્પેશ પટેલ, વિજય તળપદા, જયેશ તળપદા, અમિત ઉર્ફે પમો તળપદાને ૧.૬૬ લાખના વિદેશી દારૂના જથ્થા, મોબાઈલ, રોકડ રકમ અને બાઈક મળી ૨.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આવા જ એક બીજા બનાવમાં પોલીસે આંકલાવની જેમુડી તલાવડી પાસેથી વિદેશી દારૂ સાથે એક અને ગંભીરા ગામેથી વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. આમ ચરોતરમાં અલગ-અલગ ૩ બનાવમાં પોલીસે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ઝડપીને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.