Western Times News

Gujarati News

ગિલની સદીથી ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોચ્યું

નવી દિલ્હી, ઓપનર શુભમન ગિલની લાજવાબ સદી બાદ મોહમ્મદ શમી અને મોહિત શર્માની ઝંઝાવાતી બોલિંગની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે સોમવારે રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૩૪ રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩ની સિઝનની પ્લેઓફમાં પહોંચી ગઈ છે. તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ગુજરાતે ૧૩ મેચ રમી છે જેમાં તેણે નવ વિજય સાથે ૧૮ પોઈન્ટ મેળવ્યા છે.

જ્યારે હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. હૈદરાબાદ ૧૨ મેચમાંથી ફક્ત ચાર મેચ જ જીત્યું છે અને તે પોઈન્ટ ટેબલમાં નવમાં ક્રમે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. હૈદરાબાદે પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યા બાદ ગુજરાતે નિર્ધારીત ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૮૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૫૪ રન નોંધાવી શકી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૧૮૯ રનનો લક્ષ્યાંક હતો. જાેકે, ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહિત શર્માની વેધક બોલિંગ સામે સનરાઈઝર્સ હૈદરાબાદ ઘૂંટણીયે પડી ગયું હતું. અનમોલપ્રીત સિંહ અને અભિષેક શર્માની ઓપનિંગ જાેડી ફ્લોપ રહી હતી. અનમોલપ્રીત પાંચ અને અભિષેક ચાર રન નોંધાવીને આઉટ થયો હતો.

કેપ્ટન એડન માર્કરામ ૧૦ અને રાહુલ ત્રિપાઠી એક રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ટીમે ૨૯ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટકીપર બેટર હેનરિક ક્લાસેને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામે છેડે વિકેટો પડતી રહી હતી. સણવીર સિંહ સાત, અબ્દુલ શમદ ચાર અને માર્કો જેનસેન ત્રણ રન નોંધાવીને આઉટ થયા હતા.

ત્યારે ટીમે ૫૯ રનના સ્કોર પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી. હેનરિકે અડધી સદી ફટકારી હતી. તેણે ૪૪ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૬૪ રન ફટકાર્યા હતા. જ્યારે ભુવનેશ્વરે ૨૬ બોલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સ માટે મોહમ્મદ શમી અને મોહિત શર્માએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે યશ દયાલને એક સફળતા મળી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને યજમાન ગુજરાત ટાઈટન્સ ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

જાેકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજા જ બોલ પર રિદ્ધિમાન સહા આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જાેકે, ગુજરાત ટીમનું બેટિંગ આકર્ષણ ઓપનર શુભમન ગિલની લાજવાબ બેટિંગ રહી હતી. તેણે શાનદાર પ્રદર્શન કરતાં આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ૫૮ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૧૦૧ રનની ઈનિંગ્સ રમી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.