2000 ની ચલણી નોટો સ્વીકારવાની ના પાડશો તો રાજદ્રોહની કલમો હેઠળ સજા થઈ શકે છે
નવી દિલ્હી, રૂા.૨૦૦૦ની ચલણી નોટો તા.૩૦ સપ્ટેમ્બર બાદ ચલણમાં માન્ય ગણાશે નહીં અને આ ચલણ પરત ખેંચવાની જાહેરાત બાદ ગુલાબી નોટો વટાવવા કે એક્સચેન્જ કરાવવા માટે લોકોનો શનિવાર તથા રવિવારે ધસારો થયો છે અને તે આજે પણ ચાલું જ રહે તેવા સંકેત છે
પરંતુ બજારમાં વેપારીઓએ અને અન્ય સ્થળો પર રૂા.૨૦૦૦ની નોટો સ્વીકારવા ઈન્કાર કરવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. નાના વ્યાપારી કે શોપિંગ મોલમાં આ નોટો ‘ઘરજમાઈ’ પડી રહે કે પછી તે બૅન્કોમાં ભરવા માટે લાંબી લાઈનો અને પક્રિયામાં જવું પડે તથા બાદમાં આવકવેરા
તથા અન્ય વિભાગોનું પુછાણ પણ આવે તેવા ભયથી પણ વેપારી વર્ગ આ નોટો સ્વીકારવાનો ઈન્કાર કરે છે. પરંતુ રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે, રૂા.૨૦૦૦ની ચલણી નોટો લીગલ ટેન્ડર- માન્ય ચલણ તરીકે તા.૩૦ સપ્ટે. સુધી ચાલુ જ છે અને તે સમયગાળા દરમ્યાન આ નોટોની લેવડ-દેવડના વ્યવહારો થઈ શકે છે.
જાે કોઈ રૂા.૨૦૦૦ની ચલણી નોટો સ્વીકારવા ઈન્કાર કરે તો તેની ફરિયાદ રિઝર્વ બૅન્કને કે બૅન્ક લોકપાલને કરી શકાશે. આ માટે દરેક બૅન્ક અને તેની શાખામાં ક્યાં ફરિયાદ થઈ શકે તેવા બોર્ડ મુકાયા છે. રિઝર્વ બૅન્કની વેબસાઈટ પર પણ અથવા બૅન્કના લોકપાલ સમક્ષ ઓનલાઈન ફરિયાદ થઈ શકે છે.
વરિષ્ઠ એડવોકેટ શિવકાંત દિક્ષિતના જણાવ્યા મુજબ કોઈ નોટ (ચલણ) જે માન્ય ચલણ તરીકે હોય તેનો સ્વીકાર ન કરવો તે રાજદ્રોહ શ્રેણીનો અપકાધ છે. આ માટે ધારા ૧૮૮ અને ૧૨૪ (એ) રાજદ્રોહની કલમો હેઠળ કેસ કરી શકાય છે તે હેઠળ જેલ સજા થઈ શકે છે.
આમ તા.૩૦ સપ્ટે. ૨૦૨૩ સુધી આ નોટો યોગ્ય ચલણ છે અને રિઝર્વ બૅન્કની ગાઈડલાઈન મુજબ તે બદલી શકાય છે. બૅન્કમાં ભરી શકાય છે. બજારમાં લેવડ-દેવડ કરી શકાય છે.