૬ વીઘામાં આંબાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી 300 મણ કેરીનું ઉત્પાદન કર્યુ તુષારભાઈએ
પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃત્તિક ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને એગ્રોટુરીઝમનો સમન્વય સાધતા ખેડા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત-ટ્રેક્ટર વગર ખેતી કરી પ્રાકૃતિક ખેતી માટેનું ઉદાહરણ પૂરું પાડતાં તુષાર પટેલ
મિયાવાકી પદ્ધતિથી ઘેરાયેલી લીલોતરી અને પ્રાકૃતિક ખેતીથી તૈયાર ૧૦ અલગ અલગ જાતના આંબાની વચ્ચે ઝુલે છે નૈસર્ગિક સુખ
૫૭ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત શ્રી તુષાર પટેલે ઠાસરાના નેસ ગામમાં વૃષ્ટિ એગ્રો એન્ડ ઇકો ટુરીઝમ ફાર્મ થકી મેળવી રહ્યા છે બમણી આવક
આજે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનના કારણે ઉદભવતા પરિણામો સામે તમામ દેશો ઝઝૂમી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન લાઈફ અંતર્ગત ઉર્જા બચત, પાણીનો બચાવ, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ, સ્વસ્થ જીવન શૈલી અને પ્રાકૃતિક ખેતી
વગેરે જેવા પ્રકલ્પો થકી પર્યાવરણ સંવર્ધન અને આબોહવા પરિવર્તન સામે લડવાના ઠોસ પગલા લેવામાં આવી રહ્યા છે. સાથેસાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ ગુજરાત સતત અભિનવ પ્રયોગો અને પ્રયાસો થકી પર્યાવરણની જાળવણી માટે નવા માર્ગો શોધવા દિશા આપવાનું કાર્ય કરી રહી છે.
આજના સમયમાં ખેડુતોને અનિયમિત ઋતુચક્ર, વધુ પડતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખેતીમાં ઉપયોગને લીધે ઉપજાઉ જમીનને નુક્સાન પહોંચે છે અને ખેતીમાં ધાર્યુ પરીણામ મળતું નથી. નવી પેઢીનાં ખેડુતો સમજી રહ્યા છે કે ફક્ત સરકારના એકતરફા પ્રયત્નોથી ખેતીમાં સફળ પરીવર્તન નહી આવે
પરંતુ ખેડુતોએ સ્વયં પ્રો-એક્ટીવ બની વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતીની નવેસરથી ખેતી કરવી પડશે. આજે ફક્ત ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વના લોકોમાં પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતી ખાદ્ય પેદાશોનું ચલણ વધ્યું છે ત્યારે આજે વાત કરીએ કપડવંજ શહેરના એક પ્રગતિશીલ ખેડૂતની જેમણે મિયાવાકી પદ્ધતિ, પ્રાકૃત્તિક ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને એગ્રોટુરીઝમના સુગમ સમન્વય દ્વારા આવકમાં વધારો કર્યો છે અને નવીન રીતથી ખેતી માટેનું એક વૈકલ્પિક મોડલ વિકસાવ્યું છે.
કપડવંજ શહેરના ૫૭ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત શ્રી તુષાર પટેલે ઠાસરા ખાતેના નેસ ગામમાં તેમના વૃષ્ટિ એગ્રો એન્ડ ઇકો ટુરીઝમ ફાર્મ ખાતે ૧૨ વીઘા જમીનમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કર્યું છે. અહી, તેમણે ૬ વીઘા જમીનમાં આંબાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી છે અને આ વર્ષે ૨૦૨૩માં કુલ ૩૦૦ મણ કેરીનું ઉત્પાદન કર્યુ છે.
જેમાં રાજાપુરી, લંગડો, આમ્રપાલી, મલ્લિકા, કેસર, નીલમ, તોતાપુરી, આલ્ફા જેવી વેરાયટી કેરીનો સમાવેશ થાય છે. વધુમાં તેઓ આ ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી પરંતુ કુદરતી રીતે જ ખેતી કરે છે. જેથી પેટ્રોલ/ડીઝલથી ચાલતા ટ્રેક્ટરના કારણે થતું પ્રદુષણ પણ અટકી જાય છે.
પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરવામાં આવતી કેરીની વિશેષતા જણાવતા મદદનીશ બાગાયત અધિકારી, ખેડા – નડિયાદ, શ્રી જૈમીનભાઈ જણાવે છે કે બજારમાં મળતી સામાન્ય ખેતીથી તૈયાર થયેલી કેરીની તુલનામાં પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી કેરીનું કદ નાનું હોય છે પરંતુ તેની મીઠાશ ખૂબ જ વધુ હોય છે. ઉપરાંત આ કેરી સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે આરોગ્ય વર્ધક હોય છે.
તુષાર પટેલ એક આધુનિક ખેડૂત છે. ખેતીની સાથે સાથે ઈકો ટુરીઝમ અને મત્સ્ય ઉદ્યોગની પ્રવૃતિથી પણ તેઓ આવક મેળવે છે. વૃષ્ટિ ફાર્મમાં એગ્રો ટુરીઝમ વિકસાવવામાં આવ્યું છે. અહીં આવનાર પ્રવાસીઓને પ્રકૃતિસભર ગ્રામીણ જીવનનો પત્યક્ષ અનુભવ મળે છે. ફાર્મની મુલાકાત લેતા પ્રવાસીઓને રહેવા માટે ઇકો-ઝૂંપડી (કચ્છી ભૂંગા) બનાવવામાં આવ્યા છે.
નાના બાળકો માટે બાલવાટિકા, બળદગાડી, દેશી હિંચકા, ટ્રેક્ટર, ગાડી એડવેન્ચર પાર્ક, ફન ઝોન ફિશિંગ તથા સ્વિમિંગ પૂલની વ્યવસ્થા રાખેલ છે. જ્યાં આજના સમયમાં લગભગ લુપ્ત થઈ ગયેલ રમતો જેવી કે લખોટી, ભમરડો, સતોડ્યું, દોરડા ખેંચ, કોથળાદોડ, ગિલ્લી દંડા, તિરંજદાજી, સાપ સીડી અને સાયકલિંગ કરી શકાય છે.
વૃષ્ટિ ફાર્મમાં આંબા, સીતાફળ, આંબળા, શેતુર, સફરજન, બ્લેક બામ્બુ, ગોલ્ડન બામ્બુ, કોંગ્રેસી ઘાસ, સફેદ આંકડો, શરૂ, અંજીર, ચંપો, કદમ, બારમાસી, બદામ, ખારેક, લિંચી, નારિયેળ, તાળી, સ્ટાર ફૂટ, જેકફ્રુટ ચીકુ, કોઠી, લીંબુ, જાંબુ અને સરગવો જેવા અનેક વૃક્ષો આવેલા છે.
અહીં એક વીઘા જમીનમાં પથરાયેલા ઓક્સિજન પાર્કમાં ૧૩ જાતના વાંસનાં ઝાડ, ફળ ફળાદી, આયુર્વેદિક તથા ૧૫૦ થી વધુ દુર્લભ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. જીવવૃષ્ટિથી સભર આ ફાર્મમાં સાપ, ગોયરો, ચિત્રો અને ઘો જેવા સરીસૃપો ઉપરાંત મોર, કોયલ, દેશી ચકલીઓ, સુગરી જેવા પક્ષીઓ તથા પતંગિયા, મધમાખી અને તેતર સસલાઓ વિપુલ માત્રામાં વસવાટ કરે છે.
એક વીઘા જમીનમાં સુંદર તળાવમાં મત્સ્ય ઉદ્યોગ, પાણીનો ધોધ તથા પેન્ડલ બોટિંગની વ્યવસ્થા છે. મત્સ્ય ઉદ્યોગમાં રોઉ, કટલા અને મ્રીગલ નામની માછલીનો ઉછેર કરવામાં આવે છે. આ માછલીને પૂરતો ખોરાક મળી રહે એ માટે હંસ અને મરઘા પણ ઉછેર કરવામાં આવ્યા છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ફાર્મ ઊભું કરવાની પ્રેરણા વિશેની વાત કરતા શ્રી તુષાર પટેલ જણાવે છે કે તેમણે સોશિયલ મિડિયાના માધ્યમ મિયાવાકી જંગલ પદ્ધતિથી પ્રભાવિત થયા હતા અને વર્ષ ૨૦૧૬ થી આ ફાર્મમાં તેમણે આ પદ્ધતિથી વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી.
એગ્રો ટુરિઝમ શું છે?
શહેરી કે મેટ્રોસીટીમાં જવન જીવવાવાળા લોકોને ભારત દેશના ગામડા કેવા છે? ખેડૂતો કેવી રીતે ખેતી કરે છે? ખેતી સાથે મત્સઉદ્યોગ, મરઘાપાલન, બતકપાલન, પશુપાલનને લગતા કાર્યોથી પરીચીત થવા તથા ગ્રામ્યજીવનની મોજમાણવા એક યા બે દિવસના પ્રવાસ કે રોકાણ હેતુ ગામડામાં આવે અને ખેતીથી પરીચીત થાય તેને એગ્રો ટુરિઝમ કહે છે.
વૃષ્ટિ એગ્રો ટુરીઝમ ફાર્મની સવલતો:
પ્રકૃતિના ખોળે વૃક્ષોની છાયામાં નિરાંતે ખાટલામાં આરામ કરતા પ્રવાસીઓને માટે પ્લાસ્ટિક પોલ્યુશન મુક્ત પરિસરમાં ઘોંઘાટની દુનિયાથી દૂર ગામડાના ખેડૂત પરિવારના હાથે બનેલું તાજુને સાત્વિક ભોજનનો સ્વાદ માણવા મળે છે.
મોટા ભાગે વિકેન્ડમાં લોકો તેમના મિત્રો, સ્વજનો અને પરિવાર સાથે બર્થ ડે, એનિવર્સરી તેમજ હોળી-ધુળેટી જેવા ઉત્સવો તથા પ્રિ વેડિંગ વગેરે માટે કુદરતી સૌંદર્યથી ભરપુર ઉતમ ફોટો શુટ કરવાની વ્યવસ્થા અહીં ઉપલ્બ્ધ છે.