સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના ગુનામાં યુવકને ૧ર વર્ષની સજા
મહેસાણાના સ્પે. પોક્સો જજે ચૂકાદો સંભળાવ્યો
મહેસાણા, મહેસાણા તાલુકાની એક સગીરાને વર્ષ ર૦૧૯માં ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગુનાના આરોપી યુવકને મહેસાણાની સ્પેશ્યલ પોકસો કોર્ટે ૧ર વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
મહેસાણાના ભમ્મરિયા નાળા પાસે શક્તિ શોપિંગ સેન્ટરની પાછળ છાપરામાં રહેતી લવારિયા અરવિંદ ઉર્ફે સન્ની લક્ષ્મણભાઈ તાલુકાના એક ગામની સગીરાના પિતાના ટ્રેકટરમાં મજુરી કામે જતો હતો. દરમિયાન અરવિંદે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી જુલાઈ ર૦૧૯માં તેણીને ભગાડી લઈ ગયો હતો તેમજ તેણીની મરજી વિરુદ્ધ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ બાબતે મહેસાણા તાલુકા પોલીસ મથકે લવારિયા અરવિંદ ઉર્ફે સન્ની લક્ષ્મણભાઈ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, પોકસોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ સી.બી. ચૌધરીએ કોર્ટમાં દસ્તાવેજી તથા મૌખિક પુરાવા રજુ કર્યા હતા
તેમજ આરોપીને સજા કરાવવાની દલીલો કરી હતી, જે પુરાવા તેમજ દલીલો ધ્યાને લઈ મહેસાણાના સ્પેશિયલ પોકસો જજ ઝેડ.વી. ત્રિવેદીએ આરોપી અરવિંદ લવારિયાને વિવિધ કલમો હેઠળ ૧ર વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ ભોગ બનનારને રૂ.૧પ હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.