Western Times News

Gujarati News

SRPની ટીમે જંગલ ઉગાડવાનું બીડું ઝડપ્યું- અને આજે હજારો વૃક્ષો લહેરાય છે

નરોડા સ્થિત એસ.આર.પી. કેમ્પસમાં મિયાવાકી પદ્ધતિથી સર્જાયુ છે અર્બન ફોરસ્ટ-૧૦૦ ચોમી વિસ્તારમાં ૩૦૦ જેટલા વૃક્ષો વાવી શકાય તેવી નવતર પદ્ધતિ

મિયાવાકી પદ્ધતિથી છોડ ૧૦ ગણા વધારે ઝડપથી વધે છે- ૩૦ ગણા વધારે ગાઢ બને છે- અનેક ગણો વધારે ઓક્સિજન આપે છે- ૧૦૦% ઓર્ગેનિક હોય છે

‘પોલીસ’ શબ્દ કાને પડે કે તરત જ આમ આદમીના માનસપટ પર કરડાકીભર્યો ચહેરો, ખાખી વર્ધી અને હાથમાં ડંડા સાથેનું કેરેક્ટર છવાઈ જાય… જોકે પોલીસનું મૂળ કામ તો કાયદો-વ્યવસ્થા જાળવવાનું હોય છે. પણ અમદાવાદમાં સૈજપુર નરોડા ખાતે આવેલ સ્ટેટ રિઝર્વ પોલીસ જૂથ-2 કેમ્પસમાં છેલ્લાં ત્રણ વર્ષથી પોલીસ જવાનોની  મહેનતથી પર્યાવરણની સુરક્ષા કરતાં હજારો વૃક્ષો અહીં લહેરાઈ રહ્યાં છે.

માટી ખોદીને છોડના બદલે જંગલ વાવતા જવાનોનું દૃશ્ય અહીં એકદમ આમ બની ગયું છે…વૃક્ષ વાવવાના હોય કે જંગલ…? જવાબ છે જંગલ…

આમ તો ચોમાસાની ઋતુમાં વૃક્ષ વાવવાનું અભિયાન આરંભાય તે સહજ છે…પરંતુ એસ.આર.પી જૂથ-2 કેમ્પસમાં જંગલ વાવવાનું અભિયાન વર્ષ ૨૦૧૯માં હાથ ધરાયું હતું.

એસ.આર.પી કેમ્પ, મુખ્ય મથકના ગ્રીન કવરમાં ૧૦૦% વધારો કરવાના નિર્ધાર સાથે પરંપરાગત પદ્ધતિથી તદ્દન વિપરીત જંગલ વાવવાનું અભિયાન હાથ ધરાયુ હતુ અને હાલના એસ.આર.પીના સેનાપતિ અને આઈ.પી.એસ.અધિકારી શ્રી મંજિતા વણઝારાના નેતૃત્વમાં એસઆરપી ગ્રુપ-2ના જવાનો તેનું જતન-સંવર્ધન કરી રહ્યા છે.

સામાન્ય રીતે પરંપરાગત ૧૦થી ૧૫ ફૂટના અંતરે મોટે ભાગે એક જ પ્રકારના વૃક્ષો આપણે વાવતા હોઈએ છીએ, પરંતુ ‘મિયાવાકી’ પદ્ધતિથી અહીં વૃક્ષો વાવ્યા છે. શ્રી મંજિતા વણઝારા કહે છે કે, ‘“આ નવીન પદ્ધતિથી અત્યંત નાની જગ્યામાં ખૂબ નજીક નજીક, જુદી જુદી દેશી નસલના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેથી માત્ર ૧૦૦ચોમી વિસ્તારમાં પરંપરાગત રીતે વાવતા ૯થી ૧૨ વૃક્ષો સામે આ પદ્ધતિથી એટલા જ વિસ્તારમાં ૨૦થી ૨૫ જાતિના અધધ 300 જેટલા વૃક્ષો વાવી શકાયા છે…”

અત્રે ઉલ્લેખનીય છે કે, કેમ્પસમાં ૩૦૦ ચો.મી. વિસ્તારમાં બોરસલી, ખાખરા, ગુંદા, જંબુ, સપ્તપદી, શીશમ, કરાયુ, સવન, આંબલી, લીમડા, દાડમ, ખેર, સરગવો, ગુલમોર, રાયણ, કણજી, આસોપાલવ, કરણ, ચંપો, પથ્થરફાડ, સેતુર, પાલી, કાલીયાહાર જેવાં વૃક્ષો આજે અહીંની અને પર્યાવરણની શોભા બન્યા છે.

હજી આગામી સમયમાં અહી વધુ રોપા અને ઔષધિ વનસ્પતિ વાવવાનું આયોજન છે. જો કે આનો સંપૂર્ણ શ્રેય તેઓ એસ.આર.પી. જવાનોને આપતા મંજિતા વણઝારા કહે છે કે, ‘અમારા જવાનોએ દિવસ રાત ખાડા ખોદી, ખાતર પણ જાતે બનાવ્યું છે.. એટલું જ નહી પરંતુ આ રોપાઓની માવજત પણ જતનથી કરે છે..’

અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.આર.પી. કેમ્પસ આમ તો ૭૦ એકરમાં ફેલાયેલું છે. લગભગ ૪,૦૦૦ વૃક્ષો તો પહેલેથીજ અહીં લહેરાઈ રહ્યા છે. કેમ્પસના રહેણાક મકાનો અને કચેરીઓ, મેદાન વગેરે બાદ કરતાં બાકી બચતી જગ્યાએ પરંપરાગત પદ્ધતિથી ૧૫૦૦ જેટલા વૃક્ષો માંડ વાવી શકાય તેમ હતા. પરંતુ આ જાપાની મિયાવાકી પદ્ધતિથી ૧૫,૦૦૦ વૃક્ષો વાવી શકાય તેવો વિશ્વાસ સમગ્ર જવાનોને છે.

જાપાનના અકિરા મિયાવાકી નામના વનસ્પતિશાસ્ત્રી દ્વારા શોધાયેલ આ પદ્ધતિથી જાપાનમાં ૪૦થી વધુ વર્ષોથી સફળતાપૂર્વક વૃક્ષારોપણ થઈ રહ્યું છે. પરંતુ ભારતમાં અને વિશ્વના અન્ય ભાગોમાં પણ છેલ્લા કેટલાક સમયથી આ પદ્ધતિ લોકપ્રિય બની છે.

આ પદ્ધતિમાં અપનાવાતી પ્રક્રિયાનો ઉલ્લેખ કરી સુશ્રી મંજિતાબેન વણઝારા કહે છે કે, “આ પદ્ધતિથી વૃક્ષારોપણ કર્યા પછી માત્ર ૨થી ૩ વર્ષ આ વૃક્ષોને પાણી આપવું પડે છે, અને તે જગ્યાને નિંદામણ રહિત રાખવાથી આ છોડ આરપાર જોઈ ના શકાય તેવા ગાઢ જંગલમાં તબદીલ થઈ જાય છે.

આ પદ્ધતિથી છોડ ૧૦ ગણા વધારે ઝડપથી વધે છે, ૩૦ ગણા વધારે ગાઢ બને છે, અનેક ગણો વધારે ઓક્સિજન આપે છે અને ૧૦૦% ઓર્ગેનિક હોય છે. માત્ર 3 વર્ષ પછી આ જંગલ આત્મનિર્ભર બની જાય છે અને તેને કોઈ પણ પ્રકારની માવજતની જરૂર રહેતી નથી…” એમ તેઓ ઉમેરે છે…

આ પ્રયોગની જાણ થતાં ગુજરાત પોલીસના તમામ એકમોના સંખ્યાબંધ પ્રતિનિધિઓેને પણ આ પદ્ધતિથી વૃક્ષારોપણની તાલીમ અપાઈ છે.

મિયાવાકી પદ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસવામાં આવે છે. જો તેમાં માટીના કણ નાના હોય, તો તે સખત બની ગયેલી હોય છે, જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી જેમકે શેરડી અથવા નારિયળના ભુસાનું મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. આ રીતે જમીનને જંગલ માટે તૈયાર કરવામાં આવે છે. એસ.આર.પી. જવાનો જાતે જ આ મહેનત કરીને જમીનને જંગલ માટે તૈયાર કરે છે.

એક એસ.આર.પી. જવાન કહે છે કે, “ અમારા મેડમની પ્રેરણાથી જ અમે અમારી દૈનિક કામગીરી ઉપરાંત અમે વૃક્ષ ઉછેરવાનું કામ પણ કરીએ છીએ… જેટલા કલાક કામ કરીએ છીએ તેટલો સમય મેડમ સતત હાજરી આપીને અમને માર્ગદર્શન આપતા રહે છે.. અને એટએ જ આજે અહીં જંગલ જોવા મળે છે…’” એમ તે ઉમેરે છે…

અમદાવાદ એસ. આર. પી. જૂથ-૨ના સેનાપતિ અને પર્યાવરણ પ્રેમી શ્રી મંજિતાબેન વણઝારાનું દૃઢપણે કહેવું છે કે “મિયાવાકી” પદ્ધતિથી જો વૃક્ષારોપણ કરવામાં આવે તો ૧૦૦ વર્ષે બનતું જંગલ માત્ર ૧૦ વર્ષમાં તૈયાર થાય છે. કારણ કે જો વૃક્ષોને દૂર દૂર વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી.

આમ “મિયાવાકી” પદ્ધતિથી વૃક્ષારોપણ કરાય તો આ જંગલના વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં ૧૦૦ વર્ષે બનતું જંગલ ૧૦ વર્ષમાં તૈયાર થઇ જાય છે.

અમારા જવાનોએ આ કાર્યને માત્ર સરકારી લક્ષ્યાંક પૂર્ણ કરવાના પ્રયાસ રુપે નહી પરંતુ પર્યાવરણ સુધારણાના એક મિશન તરીકે અપનાવ્યું છે. તેના જ કારણે સમગ્ર જૂથની ટીમ એક ગ્રીન બ્રિગેડ તરીકે કામ કરી રહી છે,  અને આ મિશન ‘ક્લીન કેમ્પ-ગ્રીન કેમ્પ’ને સફળ બનાવી તેના ઉદાહરણથી અન્ય અનેકોને પર્યાવરણ સુધારણાના ભગીરથ કાર્ય માટે પ્રોત્સાહિત કરવા અને સહાય કરવા તત્પર બન્યાનો સંતોષ સુધા તેઓ વ્યક્ત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.