પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને તાલીમ અપાઇ
પ્રાકૃતિક કૃષિની માનવ સ્વાસ્થ્ય માટે અગત્યતા, પાક સંરક્ષણ અને પોષણ વ્યવસ્થાપન વિષયો ઉપર માર્ગદર્શન અપાયું
ગાંધીનગર ખાતે આત્મા સમેતિ દ્રારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને તા. ૧ અને ૨ જૂન-૨૦૨૩ દરમિયાન બે દિવસીય તાલીમ આપવામાં આવી હતી એમ આત્મા સમેતિ નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સમેતિ નિયામક શ્રી પી. એસ. રબારીએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિનો લાભ રાજ્યના છેવાડાના ગામના ખેડૂતો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક કૃષિના અનુભવો જણાવી પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત તથા કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિ સંબધીત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
ગુજરાત નેચરલ ફાર્મીંગ એન્ડ ઓર્ગેનિક યુનિવર્સિટી હાલોલના કુલપતિ શ્રી ડો. ટીંબડીયાએ પ્રાકૃતિક કૃષિની સંશોધન તથા વિસ્તરણની પ્રવૃતિ વધુ વેગવંતી બનાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ બે દિવસીય તાલીમમાં પ્રાકૃતિક કૃષિની માનવ સ્વાસ્થ્ય માટે અગત્યતા, પાક સંરક્ષણ, જમીન અને પર્યાવરણ માટે પ્રાકૃતિક કૃષિની અગત્યતા, પ્રાકૃતિક કૃષિમાં પોષણ વ્યવસ્થાપન અને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો જેવા વિષયો ઉપર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તાલીમાર્થીઓ- ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નનોના નિરાકરણ માટે વિશેષ ચર્ચા પણ કરવામાં આવી હતી.
યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર અત્યાર સુધીમાં આત્મા સમેતિ, ગાંધીનગર દ્રારા કુલ ૧૨,૧૬,૪૮૯ જેટલા ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. જેના પરિણામ રૂપે પ્રાકૃતિક કૃષિ હેઠળ આજ દિન સુધિ કુલ ૨,૬૭૬ ગામોના કુલ ૪,૪૯,૬૮૯ ખેડૂતો દ્રારા કુલ ૪,૬૯,૫૭૯ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતાં
થયા છે.
આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરીષ્ઠ વૈજ્ઞાનિકશ્રીઓ, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજકશ્રી પ્રફુલભાઇ સેંજલીયા તથા સમેતિના અધિકારીશ્રીઓ સહિત કૃષિ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. -ધવલ શાહ