Western Times News

Gujarati News

પાંચ વર્ષથી વધુ સમયમાં સરકારી શાળાઓના વીજ બિલમાં ૭૨૪ કરોડથી વધુ યુનિટની બચત

ઊર્જા કાર્યક્ષમ પંખાથી ૭૫-૧૦૦ વોટના બદલે ૫૦ વોટ વીજળીનો વપરાશ, ૪૦ ટકાથી વધુ  વીજળીની બચત
એક ઊર્જા કાર્યક્ષમ પંખાથી ૫૪ યુનિટ તથા એક LED ટ્યુબ લાઇટથી ૯૪ યુનિટની વાર્ષિક બચત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે ‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ અને ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પર્યાવરણ જાળવણી માટે રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી રાજ્યમાં હજારો ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની સાથે સાથે કરોડો રૂપિયાની બચત કરવામાં આવી છે.

રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાઓમાં LED ટ્યુબલાઇટ અને ઉર્જા કાર્યક્ષમ સ્ટાર રેટડ પંખાઓ લગાવીને છેલ્લા પાંચ વર્ષથી વધુના સમયમાં કાર્બન ઉત્સર્જનમાં ૭૨ હજાર ટનથી વધુનો ઘટાડો કરવામાં તથા ૭૨૪ કરોડથી વધુ યુનિટની બચત કરવામાં સફળતા મેળવી છે.

પર્યાવરણની ચિંતા કરી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ક્લાઈમેટ ચેન્જ અંગે અલાયદો વિભાગ શરૂ કર્યો હતો. આ વિભાગ હેઠળ કાર્યરત રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવા અનેક ટકાઉ પહેલો અંતર્ગત વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. જે આજે પર્યાવરણની જાળવણીમાં મહામૂલું યોગદાન આપી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજ્ન્સીના માધ્યમથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉર્જા LED ટ્યુબ લાઇટ તથા કાર્યક્ષમ પંખા વિનામૂલ્યે આપવાની યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ થી માર્ચ, ૨૦૨૩ સુધી સર્વશિક્ષા અભિયાન દ્વારા આપવામાં

આવતી માહિતી મુજબ ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ એજ્ન્સી દ્વારા ૧૦૦ ટકા સરકારી સહાયથી કુલ ૧૦,૮૬૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૯૭,૪૪૦ નંગ સ્ટાર રેટેડ પંખા અંદાજિત રૂ. ૧૧.૩૨ કરોડના ખર્ચે લગાવવામાં આવ્યાં છે. જેના થકી ૧૭૮.૨ કરોડ યુનિટની ઉર્જા બચત અને ૧૭,૮૧૯ ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

આ ઊર્જા કાર્યક્ષમ પંખાઓ ૭૫-૧૦૦ વોટના બદલે ૫૦ વોટ વીજળી વાપરે છે એટલે કે ૪૦થી ૫૦ ટકા વીજળીની બચત કરી શકાય છે. આમ, આવા પંખાઓના ઉપયોગ થકી સરકારી પ્રાથમિક શાળાઓ  પ્રતિવર્ષ એક પંખા દીઠ ૫૪ યુનિટની બચત કરે છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વધુ ૧૮,૯૪૫ જેટલા ઉર્જા કાર્યક્ષમ સ્ટાર રેટેડ પંખા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એવી જ રીતે ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮થી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ વિતરણ અંગેની યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ થી માર્ચ-૨૦૨૩ અંતિત સુધીમાં સર્વશિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી માહિતી

મુજબ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત ઊર્જા વિકાસ એજ્ન્સી દ્વારા ૧૦૦ ટકા સરકારી સહાયથી કુલ ૧૩,૯૧૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧,૩૬,૬૨૧ નંગ LED ટ્યુબલાઈટ અંદાજિત રૂ. ૪.૬૪ કરોડના ખર્ચે લગાવવામાં આવી છે. જેના થકી અત્યાર સુધીમાં આશરે ૫૪૬.૧ કરોડ યુનિટની ઉર્જા બચત અને ૫૪,૬૦૬ ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ લગાવવાથી સરકારી પ્રાથમિક શાળાઓ પ્રતિવર્ષ એક LED ટ્યુબલાઈટ દીઠ ૯૪ યુનિટની બચત કરે છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ ૨૬,૭૩૦ જેટલી ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.  – દિપક જાદવ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.