કોંગ્રેસમાં અસંતોષ !: સ્વ.અહેમદ પટેલના પુત્ર ભાજપ પ્રદેશ પ્રમુખને મળ્યા
અમદાવાદ, ગુજરાતની ચૂંટણીમાં કંગાળ દેખાવ કરનાર કોંગ્રેસમાં હવે મોટાપાયે ફેરફાર થવાની સંભાવનાઓ છે. સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલી નાંખવામાં આવશે.
બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ હવે ગુજરાતનો એકપણ ચહેરો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી ગુજરાતની વાત મુકી શકે એવો નથી. પરંતુ બીજી બાજુ અહેમદ પટેલના પુત્રએ જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે. સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટિ્વટર પર શેર કર્યા છે. ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી એવું સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
અગાઉ ફૈઝલ પટેલે ટિ્વટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યું હતું કે જવાબદારી અંગે રાહ જાેઇને હું થાક્યો છું. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટિ્વટમાં ઉલ્લેખ કર્યો હતો. તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરાઈ છે. ભાજપે લોકસભાની તમામ ૨૬ બેઠકો ઉપર જીત મેળવવા માટે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. બીજી તરફ કોંગ્રેસ પણ ગુજરાતની ભાજપ સરકાર અને મોદી સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે.
રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકોની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ફૈઝલ પટેલની સી.આર. પાટીલ સાથેની મુલાકાતને પગલે સ્થાનિક રાજકારણમાં અટકળો વહેતી થઈ છે.
કોંગ્રેસના પીઢ નેતા ગોવા રબારી કેસરિયો ખેસ ધારણ કરશે
ગાંધીનગર, દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યાજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો આપતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના બે નેતાઓએ ખેલ પાડી દેઈને કોંગ્રેસના પીઢ નેતાને પોતાની તરફ ખેચવા પ્રયત્ન કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ ત્યારે હવે કોંગ્રેસમાંથી વધુ એક નેતા ભાજપમાં જાેડશે કે જેઓ કોંગ્રેસમાંથી સાત વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ડીસાના કેંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જાેડાઈ શકે છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ગઈકાલે ગોવાભાઈ રબારીની બેઠક થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ગોવા રબારી છેલ્લા ૩૫ વર્ષથી કોંગ્રેસ સાથે જાેડાયેલા છે. તેઓ કેંગ્રેસમાંથી સાત વખત ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત ધાનેરામાં ૧૯૯૫માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો છે.