વલસાડમાં પાલી હિલ બાદ પારનેરા ડુંગર ખાતે માતાજીના મંદિરમાં ચોરી
(પ્રતિનિધિ) વલસાડ, બે દિવસ પહેલા વલસાડના પોસ એરિયા ગણાતા પાલી હિલ વિસ્તારના બંગલાઓમાં ચોરી થયા બાદ ફરી એકવાર વલસાડના પારનેરા ડુંગર ખાતે તસ્કરો મંદીરમાં માતાજીને ચઢાવેલા સોનાના ચાંદીના ઘરેણા અને દાન પેટી ચોરી ગયા હતા.
પુજારીએ મંદિર સવારે આરતીના સમયે મંદિર ખોલવા જતા મંદિરમાં તસ્કરોએ હાથ સફાયો કર્યો હોવાની જાણ થતા મંદિરના ટ્રસ્ટી,અગ્રણીઓ તેમજ વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. વલસાડના સુપ્રસિદ્ધ પારનેરા ડુંગરે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે.
પારનેરા ડુંગર ખાતે અંબિકા ચંદ્રિકા અને ચામુંડા માતાજી તેમજ મહાકાળી માતાજીનું મંદિર આવ્યું છે. ગત – મધ્યરાત્રીએ તસ્કરો આ બંને મંદિરમાં માતાજીને અર્પણ કરેલા સોના-ચાંદીના ઘરેણાંઓ માતાજીનો ચાંદીનો મુંગટ, છત્તર, સોનાની નથડી અને દાન પેટી ચોરી ગયા હતા.
મંદિરમાં સવારે પૂજાના સમયે પૂજારી મંદિરે આવતા મંદિરમાં તસ્કરી થઈ હોવાનું દેખાયું હતું. જેથી મંદિરના ટ્રસ્ટીઓ અને ગામના અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. વલસાડના પ્રસિદ્ધ પારનેરા ડુંગરા ઉપર આવેલ માતાજીના મંદિરે સોના ચાંદીના ઘરેણાં મળી ૧.૮૭ લાખની મતાની ચોરી થઈ હોવાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસે મંદિરે જઈને તપાસ હાથ ધરી હતી.
પોલીસને સરળતાથી આરોપીઓનું પગેરું ન મળે તે માટે હનુમાનજીના મંદિર પાસે મૂકેલું ડ્ઢફઇ પણ તસ્કરો ચોરી ગયા હતા. જ્યારે વલસાડના પાલીહીલ વિસ્તારમાં સોસાયટીના બે બંગલામાં અઠવાડિયામાં બે વાર ચોરીનો પ્રયાસ થયો હતો. વલસાડના ભાગડાવડા ગામની હદમાં આવેલા સૌથી પોશ વિસ્તાર એવા પાલીહીલ સોસાયટીમાં એક અઠવાડિયાની અંદર એક બંગલામાં ચોરીનો પ્રયાસ અને બીજા બંગલામાં યેનકેન પ્રકારે અંદર ઘૂસીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
બંને ચોરીની ઘટનામાં એક જ ચોર હોવાનું સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે જાણવા મળ્યું છે.ભાગડાવડા ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ પાલીહીલ સોસાયટીમાં ૫૦૦થી વધુ બંગલાઓ છે. સી રોડ પર પાલીહીલ-૩માં રહેતા ભરત ઠક્કર ના બંગલામાં આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
ઘટના અંગે પાડોશીએ યુરોપ ગયેલા પરિવારના સ્થાનિક સ્વજનોને જાણ કરતા તેઓએ આ બાબતે સિટી પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજની મદદથી ચોરટાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. વધુમાં ત્યાંના રહેવાસીઓના કહેવા મુજબ આ પાલી હિલ -૩ માં ઘણા જ નવા બંગલાઓનું બાંધકામ ચાલુ હોવાથી રોજે રોજ મજૂરોની અવર-જવર ચાલુ રહેતી હોય છે.