દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સરકારનો સેવાયજ્ઞ
અમદાવાદની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને વિવિધ સંસ્થાઓના અનુદાન થકી ૪.૪૩ કરોડનાં શૈક્ષણિક ઉપકરણો દિવ્યાંગ બાળકોને અપાયાં
ગુજરાત રાજ્યમાં ધોરણ ૧થી ૮માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાઓ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘દિવ્યાંગ સમીપે’ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો સમકક્ષ બનાવી તેમની શૈક્ષણિક અને માનસિક ક્ષમતાઓમાં વધારો કરવા નિષ્ણાત ટીમ દ્વારા એસેસમેન્ટ કરીને વિવિધ ઉપકરણો અને જુદાં-જુદાં સોફ્ટવેરની સહાય અર્પણ કરવાનો છે. આ યોજના અંતર્ગત અદ્યતન ઉપકરણો અને વિવિધ સોફ્ટવેરના માધ્યમથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ વધુ સારી રીતે લર્નિંગ પ્રોસેસ કરી શકે, તેમનો લર્નિંગ લોસ દૂર થાય અને તેમની શૈક્ષણિક ક્ષમતાઓમાં વધારો થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત આપવામાં આવેલ સહયોગ થકી કુલ ૭૫૭ દિવ્યાંગ બાળકોને ?૪.૪૩ કરોડના શૈક્ષણિક ઉપકરણોની સહાય આપવામાં આવી છે.
જેમાં ૫૦૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટેબ્લેટ (મ્રૂત્નેંજી સોફ્ટવેર સાથે), સાંભળવાની ક્ષતિ ધરાવતા કુલ ૧૭૬ બાળકોને ઈઅર પ્લસ ડિવાઈસ, ૩૩ બ્લાઈન્ડ બાળકોને સ્માર્ટફોન, તાલુકા કક્ષાના રિસોર્સ રૂમમાં ૯ ડો.સ્પીચ સોફ્ટવેર, ૯ શૈક્ષણિક કિટ અને ૯ સંગીતનાં સાધનો સહિત ૧૬ બ્લાઇન્ડ બાળકોને સંગીતનાં સાધનો આપવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદને આ યોજનામાં સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત અમદાવાદની યુવા અનસ્ટોપેબલ, અમદાવાદની વિ – હિયર ઇન્સ્ટિટ્યૂટ, બાવળાનું નિસ્વાર્થ ફાઉન્ડેશન, અમદાવાદની રૂશીલ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ, દસ્ક્રોઇ તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટી અને સુઝુકી પ્રાઇવેટ લિમિટેડ કંપની (માંડલ યુનિટ)નો નાણાકીય સહકાર સાંપડ્યો હતો.
કેવાં બાળકોને સહાય આપવામાં આવે છે? ઃ ‘દિવ્યાંગ સમીપે’ યોજના અંતર્ગત બૌદ્ધિક અક્ષમતા, શોર્ટ હાઇટેડ, સેરેબ્રલ પાલ્સી, હીઅરિંગ લોસ, સંપૂર્ણ અંધત્વ જેવી દિવ્યાંગતા ધરાવતાં બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે.
કયા શૈક્ષણિક અને અન્ય સાધનોની સહાય આપવામાં આવે છે ઃ આ યોજના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓનું નામાંકન કરીને તેમને ટેબ્લેટ (મ્રૂત્નેંજી સોફ્ટવેર ઇન્સટોલ્ડ), સ્માર્ટ વોચ, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, સંગીત વાદ્યો, સીટીંગ ચેર, ફ્રી બસ પાસ સહિતની સહાયો આપવામાં આવે છે.
દિવ્યાંગ સમીપે યોજનાની સહાયથી બાળકોને શું મદદ મળશે?
• આ શૈક્ષણિક સહાયો દિવ્યાંગ બાળકોને સરળતાથી પાયાની સાક્ષરતા શીખવામાં મદદરૂપ બનશે તથા બાળકોના પડકારરૂપ જીવનમાં કેળવણી રૂપી રંગો ભરવાનું કાર્ય કરશે.
• કેટલા બાળકો અપૂરતા શારીરિક વિકાસના લીધે વધુ મૂવમેન્ટ કરી શકતા નથી તેમજ ઊભા રહી શકવામાં અસમર્થ હોય છે તેમજ શાળાએ રૂબરૂ જઈ શકવા અસમર્થ હોય છે, તો કેટલાક દિવ્યાંગ બાળકોની ઊંચાઇ ઓછી હોય છે. સરકારશ્રી દ્વારા એનાયત કરાયેલા ટેબલેટ અને ડિજિટલ ગેજેટ્સ થકી આવા બાળકો વિવિધ વિડિયો નિદર્શન અને એપનો ઉપયોગ કરી અભ્યાસ કરી શકે છે.
• જે દિવ્યાંગ બાળકો શાળાએ જવા અસક્ષમ છે તેમને માટે ઘરે જ શાળા ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ખરેખર પરવા કરી છે.
• દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ શિક્ષકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ સમીપે યોજના અંતર્ગત ઉપલબ્ધ તમામ સુવિધાઓના ઉપયોગ થકી બાળકોને સારામાં સારું પાયારૂપ શિક્ષણ આપી શકાય તથા તેમના પરિવારોને પણ આ સુવિધાઓ દ્વારા બાળકને ઘરે પણ કઈ રીતે ભણાવી શકાય એ માટે વિશિષ્ટ શિક્ષકો પણ પ્રયત્નશીલ રહેતા હોય છે.
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોની કેળવણી માટે શરૂ કરવામાં આવેલી આ પ્રેરણાદાયક યોજના દ્વારા દિવ્યાંગતા સાથે જીવી રહેલા બાળકોને અભ્યાસ માટે અનેરી ઊર્જા મળશે અને તેમના સપનાઓ સાકાર કરવાની દીશામાં તેઓ મક્કમ ડગ માંડી શકશે. આલેખન- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.