Western Times News

Gujarati News

ગુજરાતનું એક એવું સ્માર્ટ વિલેજ જયાં છે- સોલાર, RCC રોડ, CCTV, WiFi

પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ!-અનેક પુરસ્કારોથી સન્માનિત સાધી ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગીથી ગ્રામજનો ઉત્સાહિત

(માહિતી) વડોદરા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘રૂર્બન કોન્સેપ્ટ’ને સાકાર કરવા માટે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. વડોદરા માટે ગર્વની વાત એ છે કે, રાજ્યની સ્માર્ટ વિલેજ તરીકે જાહેર થયેલી ૩પ ગ્રામ પંચાયતોમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામનો પણ સમાવેશ થાય છે.

સાધી ગામમાં પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓને શબ્દોમાં વર્ણવીએ તો લેખની શાબ્દિક મર્યાદા વધી જશે. આ ગામની રૂબરુ મુલાકાત લીધા પછી જ એવું અચૂક બોલાય જાય કે, ખરા અર્થમાં સ્માર્ટ વિલેજ છે હો !. સ્માર્ટ વિલેજ માટે સરકારશ્રીએ જે ૧૧ માપદંડો નક્કી કર્યા હતા, એ તો અહીં પરિપૂર્ણ થાય જ છે, પરંતુ આ સિવાય પણ શહેરોમાં હોય તેવી અનેક સુવિધાઓથી સંપન્ન છે સાધી ગામ.

સ્વચ્છ ગામ પુરસ્કાર, ગોકુળીયું ગામ, ર્નિમળ ગામ, સમરસ ગ્રામ પંચાયત અને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પર્ધા સ્વર્ણિમ પુરસ્કાર જેવા અનેક એવોર્ડથી સન્માનિત સાધી ગામમાં સ્વચ્છતા, સુવિધા અને આધુનિકતાનો સંગમ જાેવા મળે છે.

આરોગ્યની વાત હોય કે ઉચ્ચ શિક્ષણની વાત હોય, સિંચાઈ-જળસંચયની વાત હોય કે સોલાર રૂફ ટોપથી ઉર્જાસંચયની વાત હોય, વાઈફાઈ અને ઈન્ટરનેટથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી હોય કે પશુઆરોગ્યની વાત હોય, આર.સી.સી. રસ્તાની વાત હોય કે પછી ખૂણે-ખૂણે સીસીટીવી કેમેરાની વાત હોય, ઘર-ઘર નળ અને ખુલ્લામાં શૌચમુક્ત ગામનું સન્માન લેવાની વાત હોય, અહીં તમામ સવલતો, ભૌતિક સગવડો અને પ્રાથમિક જરૂરિયાતોની ચોક્કસથી પરિપૂર્તિ થાય છે.

સુવિધાઓથી સંપન્ન વિકાસશીલ ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થાય તો ઉત્સાહ તો બેવડાય જ ને ! આવા જ પ્રબળ ઉમંગથી સાધી ગામના સરપંચ અને ગ્રામજનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનતા થાકતા નથી. ગ્રામજનોનું કહેવું છે કે, અહીં વિકાસની કોઈ ઉણપ કે ખૂટતી કડી નથી. પરંતુ સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અંતર્ગત જે પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ મળશે તે આ ગામના વિકાસને વેગ આપી સંપૂર્ણતા તરફ દોરી જશે.

ગામના સરપંચ અંજનાબેન પટેલે જણાવ્યું કે, અમે ગર્વ છે કે વડોદરા જિલ્લામાં એક માત્ર ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થઈ છે. જેમાં સાધી ગામનો સમાવેશ છે. સ્માર્ટ વિલેજની વિભાવનાથી ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીની સાથે ગ્રામજનોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવશે. સાથે જ ગામના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય ચોક્કસથી ચરિતાર્થ થશે, તેમ સરપંચશ્રીએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરની નો વિચાર આપેલો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.