#Cyclone: સૌથી વધુ અસર દ્વારકા, જામનગર અને કચ્છ પર પડી
અમદાવાદ, ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત બિપરજોય રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. હવે વાવાઝોડાથી થયેલી તબાહીની જાણકારી મળી રહી છે. ભારે વરસાદથી કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. સરકારનો દાવો છે કે ચક્રવાતને કારણે રાજયમાં કોઈનું મોત થયું નથી.
ચક્રવાત બિપરજોયની સૌથી વધુ અસર દ્વારકા, જામનગર અને કચ્છ પર પડી હતી. અહીં તોફાનમાં ૪૫૦થી વધુ પક્ષીઓના મોત થયા છે. કેટલાક પક્ષીઓ રસ્તા પર મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
સદનસીબે ગીરના જંગલોમાં સિંહને કોઈ નુકસાન થયું નથી. ગુજરાત સરકારે ગીર જંગલ અને કચ્છ જિલ્લામાં ૨૦૦ થી વધુ ટીમો તૈનાત કરી છે. ગીર પૂર્વ વિભાગના જસાધાર રેન્જમાં ગુરૂવારે સાંજે બે સિંહબાળ કુવામાં પડી જતાં બચાવી લેવાયા હતા.
Biparjoy Cyclone landfall at Gandhidham – @Kutch@OurKutch @sandeshnews@abpasmitatv#BiparjoyCyclone #cyclone pic.twitter.com/y7IF7n9C09
— Nitish (@nitishpal99) June 17, 2023
૨૩ લોકો ઘાયલ થયા છે અને મોટું આર્થિક નુકસાન થયું છે. ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા પવને લગભગ ૮૦૦ માટીના મકાનો ધરાશાયી કર્યા હતા. વીજતંત્ર ખોરવાઈ ગયું છે. માત્ર કચ્છમાં જ ૮૦ હજારથી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. રસ્તાઓ પર વૃક્ષોના ઢગલા પડી ગયા છે.
ઘણા ગામડાઓ સુધી પહોંચી શકાતું નથી કારણ કે ત્યાં ઘણો કાદવ છે. પાણી ઓછુ થવાના થોડા દિવસો બાદ જ વાસ્તવિક નુકસાનની ખબર પડશે. ૨૦૦૧માં ભૂકંપ જેવી ભયાનક આફતનો સામનો કરવો પડેલી કચ્છની જનતા બિપરજોયનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. આ વાવાઝોડાએ ૧૯૯૮ના કંડલા ચક્રવાતની યાદ અપાવી.
કચ્છમાં તોફાન સાથે પડેલા વરસાદમાં ૫ લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. એશિયાનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર મોરબીમાં બંધ થયું છે. કંડલા અને મુન્દ્રા બંદરે જવાના માર્ગ પર ૧૦,૦૦૦ જેટલી ટ્રકો પાર્ક કરેલી છે.
ગુજરાતમાં ચક્રવાતને કારણે બંદરો બંધ છે. સાત જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ધંધાને માઠી અસર થઈ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર રૂ.૫૦૦૦ કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે.
ઓછામાં ઓછા ૬૦૦ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે ત્રણ હાઈવે પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. ચક્રવાતી તોફાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૩ લોકો ઘાયલ થયા છે. અનેક મકાનોને પણ નુકસાન થયું છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના જમીન વિસ્તારો ડૂબી ગયા છે. ઘરોમાં વીજળી નથી. તેમનામાં વરસાદી પાણી ઘુસી ગયા છે, અંદર રાખેલો સામાન બચશે તેવી આશા બહુ ઓછી છે. રસ્તાઓને નુકસાન થયું છે.