કેદારનાથઃ ગર્ભગૃહમાં લગાવવામાં આવેલ 125 કરોડનું સોનુ પિત્તળમાં બદલાઈ ગયું?
દહેરાદૂન તા.17 :કેદારનાથધામમાં ગત વર્ષ ગર્ભગૃહમાં સોનાનું પડ ચડાવવામાં આવ્યું હતું, હવે આ સોનુ ખરેખર સોનુ હતું કે પિતળ? તેને લઈને વિવાદ સર્જાયો છે અને આ મામલામાં 125 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો તીર્થ પુરોહિતોએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે, સામે પક્ષે બીકેટીસી- બદરીકેદારનાથ ટ્રસ્ટે આ આરોપોનું ખંડન કર્યું છે.
આ અંગેની વિગત મુજબ કેદારનાથ ધામના ગર્ભગૃહમાં ગત વર્ષે એક દાતાના સહયોગથી સોનાના પડની પ્લેટો જડવામાં આવી હતી. જેને લઈને વિવાદ થયો છે. કેદારનાથના તીર્થ પુરોહિતોએ આ સોનાની પ્લેટોને લઈને સવાલો ખડા કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગર્ભગૃહમાં લગાવવામાં આવેલ સોનુ પિતળમાં બદલી ગયું છે.
આ મામલે ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ તેમજ કેદારનાથના વરિષ્ઠ તીર્થ પુરોહિત આચાર્ય સંતોષ ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેમણે આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
ત્રિવેદીએ અધિકારી અને મંદિર સમીતીને ઘેરતા કહ્યું હતું કે ગર્ભગૃહમાં સોનાની પરતો લગાવવાના નામે 125 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે બીકેટીસી, સરકાર અને પ્રાસનમાં જે કોઈપણ આ કૌભાંડમાં જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.
તીર્થ પુરોહિત સંતોષ ત્રિવેદીએ સવાલ કર્યો હતો કે સોનાની પરત ચડાવતા પહેલા બીકેટીસીએ તેની પરખ કેમ ન કરાવી? તેમણે કહ્યું હતું કે તીર્થ પુરોહિતોના સતત વિરોધ છતાં જબરદસ્તીથી આ કાર્ય કરવામાં આવેલું.
સંતોષ ત્રિવેદીએ દોષીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તે તીર્થ પુરોહિતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. બીકેટીસીએ આરોપોનું ખંડન કર્યું: બીજી બાજુ બીકેટીસીના કાર્યકારી અધિકારી આર.સી.તિવારીએ તીર્થ પુરોહિતોના આ આરોપોને ખંડન કરી બીકેટીસી તરફ જાહેર કરેલ પત્રમાં જણાવ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભ ગૃહની દીવાલોને સ્વર્ણજડિત કરાવવાનું કામ ગત વર્ષે એક દાની દાતાના સહયોગથી કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે એક ભ્રામક વિડીયોમાં એવો પ્રચાર થઈ રહ્યો છે
કે જેમાં સોનાનો ખર્ચ એક અબજ 25 કરોડ લગાવાઈ રહ્યો છે, આ તથ્ય વિનાની ભ્રામક જાણકારી પ્રસારીત કરી લોકભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીકેટીસીએ સ્પષ્ટ કર્યું છે કે ગર્ભગૃહમાં 23777.800 ગ્રામ સોનુ લગાવાયુ છે, જેનું મૂલ્ય 14 કરોડ રૂપિયા છે,
સ્વર્ણ જડિત કાર્ય માટે ઉપયોગમાં લેવાયેલ કોપરની પ્લેટોનું કુલ વજન 1001.300 કિલોગ્રામ છે, જેની કિંમત 29 લાખ રૂપિયા છે. તેમણે કહ્યું હતું કે ભ્રામક જાણકારી ફેલાવનારાઓ સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે.