દાહોદમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે જગન્નાથની નગરચર્યા નીકળી
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) (પ્રતિનિધિ)દાહોદ, દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરેથી પૂજા આરતી તેમજ પહિંદ વિધિ બાદ જય રણછોડ માખણ ચોરના ગગન ભેદી નાદ તેમજ બેન્ડવાજાની ભક્તિ સભર સુરાવલીઓ સાથે લોખંડી બંદોબસ્ત વચ્ચે જગતના નાથ જગન્નાથની નગરચર્યાનો આરંભ થયો હતો.
જગતના નાથ જગન્નાથની ૧૬ મી રથયાત્રાનું સંવેદનશીલ સહિતના તમામ વિસ્તારોમાંથી નિર્વિઘ્ને પસાર થઈ શાંતિપૂર્વક મહોલમાં સમાપન થાય તે માટે રથ યાત્રાનાં નિર્ધારીત રૂટ પર ૫૦૦ થી પણ વધુ પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડી સહિતના જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
જ્યારે એસપી, એએસપી, ડીવાયએસપી, તેમજ સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ રથયાત્રાના રૂટ પર સતત રીતે પેટ્રોલિંગ દ્વારા નીગરાની રાખી રહ્યા હતા. આજે સવારના હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરે થી મંગલમૂહુર્તમાં મહાનુભાવો દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા આરતી તેમજ પહીન્દ વિધિ કર્યા બાદ જય રણછોડ માખણ ચોરના ગગન ભેદી નાદ સાથે જગતના નાથ જગન્નાથની ૧૬ મી નગરચર્યાનો આરંભ થયો હતો.
બેન્ડવાજા અને ડીજેના ભક્તિસભર ગીતો સાથે આગળ વધેલ શ્રી જગન્નાથજીની નગરચર્યા અનાજ માર્કેટના ગેટ નંબર એક પાસે આવી હતી. અને ત્યાંથી બહારપુરા, સરદાર ચોક, થઈ નેતાજી બજાર ગાંધી ચોક માં આવી હતી અને ત્યાંથી આગળ વધી દોલતગંજ બજાર, ગૌશાળા ચોક થઈ સોનીવાડ ખાતેના રાધાકૃષ્ણ મંદિરે આવી હતી.
જ્યાં ભગવાન જગન્નાથજી તથા તેમની સાથે રથમાં બિરાજમાન બલરામજી તેમજ સુભદ્રાજી એ વિસામો લીધો હતો. જ્યાં સોનીવાડ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં હજારો ભક્તોએ પ્રસાદી લીધી હતી.
વિસામાં બાદ જગતના નાથ જગન્નાથની રથયાત્રા આગળ વધી અનાજ માર્કેટના ગેટ નંબર ૨ આગળથી મંડાવાવ ચોકડી, દરજી સોસાયટી, આશીર્વાદ ચોક, ફાયર સ્ટેશન, આંબેડકર ચોક થઈ માણેકચોકમાં આવી હતી. અને ત્યાંથી આગળ વધી ભગિની સમાજથી દેસાઈવાડ જનતા ચોકમાં આવી હતી.
અને ત્યાંથી રથયાત્રા આગળ વધી એમ જી રોડ, નેતાજી બજાર થઈ નિજ મંદિરે પરત આવી હતી. જ્યાં ભગવાન જગન્નાથજી, બલરામજી તથા સુભદ્રાજીની આરતી બાદ રથયાત્રાનું સમાપન થયું હતું. રથયાત્રામાં કરાટેના હેરત ભર્યા પ્રયોગો, નયન રમ્ય ઝાંખીઓ ડમરું વાદક ટીમ તેમજ આદિવાસી નૃત્ય મંડળી ના નૃત્ય એ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ભક્તોએ તેમજ વિવિધ સમાજાે દ્વારા પુષ્પ વર્ષા કરી રથયાત્રાને વધાવી હતી. તેમજ રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર અલ્પાહાર ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા .રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ, વર્જ મોબાઇલની વાન, ક્વીક રિસ્પોન્સ ટીમ વગેરે જાેડાયા હતા.
સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રામાં આંતરિક વિસ્તારોમાંથી કોઈ કાકરી ચાળો ન થાય તે માટે ગલીઓમાં ડીપ પોઇન્ટ સાથે ઉંચી ઇમારતો પર ધાબા પોઇન્ટ પર પોલીસ જવાનોને દૂરબીન અને કેમેરા સાથે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તેમજ રથયાત્રા દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારના નાકાઓ ઉપર બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા હતા.