Western Times News

Gujarati News

પેટલાદમાં ૯૭મી રથયાત્રાઃ ઉચ્ચ અધિકારીઓએ કરાવ્યું પ્રસ્થાન

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ)પેટલાદ,પેટલાદમાં આજરોજ બપોરે બે કલાકે રણછોડજી મંદિરેથી રથયાત્રા નીકળી હતી. જેનું પ્રસ્થાન પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓ તથા રાજકીય આગેવાનોએ કરાવ્યું હતું. નગરમાં લગભગ ચાર કિમીના રાજમાર્ગો ઉપરથી રથયાત્રા પસાર થઈ હતી.

જેથી શહેરના ભક્તજનોએ ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ, સુભદ્રા અને લાલજીના દર્શન ઘરઆંગણે કર્યા હતા. ઉપરાંત રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે રથયાત્રા શાંતિપૂર્ણ સાંજે સાત કલાકે રણછોડજી મંદિરે પહોંચી હતી.

પેટલાદ ખાતે આશરે સો વર્ષ જૂના અને પૌરાણિક રણછોડજી મંદિરેથી છેલ્લા ૯૬ વર્ષથી રથયાત્રા નીકળે છે. ચાલુ વર્ષે પણ ૯૭મી રથયાત્રા આજરોજ મંદિરના મહંત વાસુદેવદાસ મહારાજના સાંનિધ્યમાં નીકળી હતી. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે મંદિરની આસપાસ અને સમગ્ર રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

સવારથી મંદિરે ભક્તજનોની ભીડનો જમાવડો શરૂ થઈ ગયો હતો. બપોરે ૧૨ કલાકે મંદિરના મહંત વાસુદેવદાસ મહારાજ દ્વારા પ.પૂ. જમનાદાસ મહારાજની સમાધિ ખાતે આરતી કરવામાં આવી હતી. જે સંપન્ન થયા બાદ બપોરે બે કલાકે રેન્જ આઈજી વી. ચંદ્રશેખર, આણંદ જીલ્લા કલેક્ટર ડી એસ ગઢવી,

આણંદ એસપી પ્રવિણ કુમાર, પેટલાદ પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની, પેટલાદ ડીવાયએસપી પી કે દિયોરા, આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જીલ્લા – તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના કાઉન્સિલરો, રથયાત્રાના આયોજકો આવી પહોંચ્યા હતા.

જેઓના હસ્તે ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું પ્રસ્થાન થયું હતું. ઉપરાંત મંદિરના સ્વયંસેવકો લાલજી ભગવાનની પાલખી સાથે રથયાત્રામાં જાેડાયા હતા. રથયાત્રામાં ગીરના હબશી આદિવાસી કલાકારો દ્વારા અનેક પ્રકારના ડાન્સ અને દાવ રજૂ કર્યા હતા.

ઉપરાંત ૩૦ જેટલી ભજન મંડળીઓ, બે ડીજે, વેશભૂષા, અખાડા વગેરે પણ રથયાત્રામાં જાેડાયા હતા. સમગ્ર રૂટ ઉપર ડીજેના તાલે જય રણછોડ માખણચોર, પેટલાદમાં કોણ છે રાજા રણછોડ છેના જયઘોષ સાથે યુવાધને ડાન્સ અને ગરબાની રમઝટ ચલાવી હતી.

આજરોજ ભગવાને રથ અને પાલખીમાં બિરાજમાન થઈ ચાર કિમીની નગરચર્યા કરી ભક્તોને દર્શન આપ્યાં હતાં. રથયાત્રા બપોરે ચાર કલાકે નરસિંહજી મંદિરે પહોંચી હતી. જ્યાં આરતી સંપન્ન કરી રથયાત્રા આગળ વધી હતી. સાંજે આશરે ૬.૩૦ કલાકે રણછોડજી મંદિરે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પહોંચી હતી.

પેટલાદમાં રથયાત્રાના રૂટ પૈકી જેત્રાના વડથી કાળકામાતાના મંદિર સુધી ઓવરબ્રિજનું કામ ચાલે છે. જ્યાંથી રથયાત્રા પસાર થવાની હોવા અંગે જાણ તંત્ર દ્વારા જે તે એજન્સીને કરવામાં આવી હતી. છતાં આજરોજ આ રૂટ ઉપર લગભગ ૧૫૦ મીટર જેટલો રસ્તો ભારે ગંદકી અને ઉબડ ખાબડ વાળો સવાર સુધી જાેવા મળ્યો હતો.

જેથી પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા તે વખતે આ રસ્તો જાેતા તાબડતોબ એજન્સીના જવાબદાર કર્મચારીને બોલાવી ખખડાવી કામ તાત્કાલિક કરવા આદેશ ફરમાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.