જિલ્લા-તાલુકા અને ગ્રામ સ્વાગતમાં જૂન મહિનામાં ૬૪૪૧ ફરિયાદો સરકારને મળી
ગુજરાતને ફાળવાયેલા ૯ પ્રોબ્રેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ મુખ્ય મંત્રીશ્રીના રાજ્ય કક્ષાના સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં જન ફરિયાદો અને રજૂઆતોના ટેકનોલોજીના ઉપયોગથી નિવારણની કાર્યપદ્ધતિ જોઇને ફિલ્ડ તાલીમની પ્રથમ શરૂઆત કરી
-: મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્ય સ્વાગતની ૧ર અને જિલ્લા-તાલુકા અને ગ્રામ સ્વાગતમાં જૂન મહિનામાં ૬૪૪૧ રજૂઆતો મળી-પપર૬ રજૂઆતોનું નિવારણ થયું :-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માનવીની ફરિયાદો, રજૂઆતોનું સંવેદનાપૂર્ણ અભિગમથી ત્વરાએ નિરાકરણ લાવવા રાજ્યના જિલ્લા વહીવટી તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
આવા રજૂઆત કર્તાઓએ પોતાની રાવ-ફરિયાદ લઇને ગાંધીનગર સુધી આવવું જ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમસ્યાનું યોગ્ય નિવારણ થઇ જાય તેવી અપેક્ષા તેમણે સ્વાગત ઓનલાઇનના રાજ્યકક્ષાના સ્વાગત દરમ્યાન વ્યક્ત કરી હતી.
નાગરિકો, પ્રજાવર્ગોની રજૂઆતો, ફરિયાદોનો ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલ લાવવા માટે ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇનના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોને પ્રત્યક્ષ સાંભળ્યા હતા.
ગુજરાતને ફાળવાયેલા ૨૦૨૨ની બેચના ૯ પ્રોબ્રેશનરી આઇ.એ.એસ યુવા અધિકારીઓ આજે મુખ્યમંત્રીશ્રીના રાજ્ય સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનો ,નાગરિકોની રજૂઆતો જે પોઝિટિવ એપ્રોચથી ઉકેલતા હતા તે જોઈને અને સમજીને તેમની ફિલ્ડ તાલીમની પ્રથમ શરુઆત કરી હતી.
દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતના આ ઉપક્રમમાં આ ગુરૂવાર તા.રર મી જૂને ૧ર જેટલી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ જિલ્લાના રજૂઆત કર્તાઓએ કરી હતી.
લઘુ અને નાના ઉદ્યોગકારો, પિયત સહકારી મંડળીઓ, ગેરકાયદે દબાણ વગેરેની સમસ્યાનું ત્વરાએ સમાધાન થાય તે માટેના દિશાનિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો સહિત જે જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર પહોંચી છે ત્યાં થયેલી નુકશાનીનો પ્રાથમિક સર્વે ઝડપભેર પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી.
એટલું જ નહિ, વરસાદ અને ચોમાસાની સ્થિતી પૂર્વેના આગોતરા આયોજન અંગે પણ તેમણે જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય સ્વાગતમાં રજૂ થયેલી ૧ર અને જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની મળીને જૂન મહિના દરમ્યાન ૬૪૪૧ રજૂઆતો મળી હતી તે પૈકીની પપર૬ રજૂઆતોનો સંબંધિત તંત્રવાહકો દ્વારા નિકાલ કરી દેવાયો છે.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.