ભારતમાં દરિયા કાંઠે વસેલા શહેરો ડૂબી જાય તેવી સંભાવના
તાપમાન વધતા ધ્રુવીય બરફ ઝડપથી પીઘળી રહ્યો છે અને દરેક જગ્યાએ સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે
નવી દિલ્હી, પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે જેના માટે સંપૂર્ણ રીતે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. તેની સૌથી વધુ અસર ધ્રુવીય બરફ પર પડી રહી છે. તે ઝડપથી પીઘળી રહ્યો છે અને દરેક જગ્યાએ સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. નાસાનો એક નવો સ્ટડી સામે આવ્યો છે.
નાસાના સાયન્ટિફિક વિઝ્યુલાઈઝેશન સ્ટુડિયોના ડેટા વિઝ્યુલાઈઝ એન્ડ્ર્યુ જે ક્રિસ્ટેનસેને આ એનિમેશન વીડિયો નાસાના ડેટાના આધારે બનાવ્યો છે. તેમણે અનેક સેટેલાઈટ્સના ડેટાનું એનાલિસિસ કર્યું છે. આ ડેટા ૧૯૯૩થી લઈને ૨૦૨૨ સુધીનો છે. આ કોઈ સાધારણ એનીમેશન વીડિયો નથી. તેમાં વર્ષોના ડેટાનું વિશ્લેષણ કરાયું છે.
નાસા સમુદ્રના વધતા જળસ્તરને લઈને ચિંતિત છે. તેના માટે તેણે છેલ્લા ૩૦ વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો અને તેના આધાર પર એક એનિમેશન વીડિયો બનાવ્યો. જેમાં વધતા જળસ્તરની ચિંતાઓને દેખાડવામાં આવી છે. નાસાએ ચેતવણી પણ આપી છે કે જાે આ દિશામાં નક્કર પગલાં ન લેવાયા તો અનેક શહેરો ડૂબી જશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરસે પણ દુનિયાને ચેતવણી આપી હતી કે જે રીતે દરેક જગ્યાએ સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે તે જાેતા જલદી સમુદ્રની નજીકવાળા વિસ્તારોથી લોકો પલાયન શરૂ કરી દેશે. હવે આ ચેતવણીને નાસાએ એનીમેશન દ્વારા દેખાડી છે.
નાસાના જણાવ્યાં મુજબ આ વિઝ્યુએલાઈઝેશનમાં એક ગોળ આકારની વિન્ડોનો ઉપયોગ કરાયો છે. જેમાં ૧૯૯૩થી લઈને ૨૦૨૨ વચ્ચે વધેલા જળસ્તરને દેખાડવામાં આવ્યું છે. એજન્સીએ એ પણ જણાવ્યું કે ૩૦૦૦ વર્ષ પૂર્વથી લઈને ૧૦૦ વર્ષ પહેલા સુધીનું સમુદ્રનું જળસ્તર સામાન્ય રીતે વધતું હતું.
પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષમાં ગ્લોબલ ટેમ્પરેચર લગભગ ૧ ડિગ્રી સેલ્સિયસ (૧.૮ ડિગ્રી ફેરનહિટ) વધી ગયું. ટેમ્પરેચર વધવાથી બરફ ઝડપથી પીઘળી રહ્યો છે અને સમુદ્રનું જળસ્તર ૬થી ૮ ઈંચ વધી ગયું. આ સિવાય દુનિયાના અનેક વિસ્તારોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડે છે. ઉચ્ચ પર્વતીય વિસ્તારો કે જ્યાં વર્ષના બારેય મહિના પંખા નહતા ચાલતા ત્યાં હવે પંખાની જરૂર પડવા લાગી છે.
રિપોર્ટ મુજબ ભારતમાં ૬૦ કરોડ, નાઈજીરિયામાં ૩૦ કરોડ, ઈન્ડોનેશિયામાં ૧૦ કરોડ, ફિલિપાઈન્સ અને પાકિસ્તાનમાં ૮-૮ કરડો લોકો જીવલેણ ગરમીનો સામનો કરશે. આ ઉપરાંત ખેતી અને અન્ય ચીજાે પર નકારાત્મક અસર પડશે.
કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વીડિયો ખુબ જ ખતરનાક છે.
આગામી કેટલાક વર્ષોમાં કાંઠા વિસ્તારોમાં રહેતા લાખો લોકોને પરેશાની થશે. આપણા સમુદ્ર માણસો દ્વારા પેદા કરાયેલા ગરમ તાપમાનનો ૯૦ ટકા ભાગ શોષી લે છે. સમગ્ર દુનિયામાં સમુદ્રનું જળસ્તર બમણી ઝડપથી વધી રહ્યું છે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રએ પણ આપી હતી.