બનાસકાંઠાના થરા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૩નાં મોત
થરા, થરા નેશનલ હાઈવે પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પતિ-પત્ની અને બાળકનું ઘટનાસ્થળે જ મોત થતાં ચકચાર મચી ગઈ છે.
બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયને મૃત જાહેર કરાયા બાદ પોલીસે ત્રણેયના મૃતદેહોને નજીકની થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકોની ઓળખ પિતા વેરસીજી વરસંગજી ઠાકોર, માતા ભાનુબેન ઠાકોર અને પુત્રી તેજલ ઠાકોર તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે થરા પાસે નેશનલ હાઈવે પર બાઈક અને સ્વિફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક સવાર પતિ-પત્ની અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
અકસ્માતના પગલે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. બનાવને પગલે ઠાકોર સમાજમાં શોકનો માહોલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાલનપુર આબુરોડ હાઇવે ઉપર ઇકબાલગઢ ગામ નજીક પીકઅપ ગાડીનું આગળનું ટાયર નીકળી જતા ગાડી પલટી મારી ગઈ હતી. જેથી ગાડીમાં ભરેલું શાકભાજી રોડ ઉપર પથરાઈ ગયું હતું.
બનાવ બાદ ડ્રાઈવર ગાડીમાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ નીકાળી સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. અંબાજી જતા રોડ પર આવેલા દાંતા તાલુકામાં સળગતી બાઈકની એક ઘટના સામે આવી છે.
બાઈકમાં આગ લાગતા થોડા સમયમાં તે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાંતા તાલુકામાં આવેલા ખાઈવાડ ગામના ટર્નિંગમાં સળગતી હાલતમાં બાઈક મળી આવી. આ બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ છે. બાઈકમાં આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે મહેસાણાના ચૌધરી પરિવારના ૫ સભ્યો કાર લઈને રાજસ્થાન સ્થિત રણુજા દર્શન ખાતે રવાના થયા હતા.
જાે કે, સાંજે ૪ વાગ્યાની આસપાસના બાડમેર નજીક તેમની કારની સામેથી આવી રહેલી સ્કોર્પિયો સાથે જાેરદાર ટક્કર થઈ હતી. જેમાં અર્ટિગા કારમાં સવાર ૫માંથી ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ગંભીર અકસ્માતમાં બંને કારમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ત્રણેય મૃતકો મહેસાણાના ખેરાલુ તાલુકાના વતની અને કૌટુંબિક ભાઈઓ હતા. પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસે ત્રણેય મૃતદેહ વતન મોકલ્યા હતા, જ્યાં અંતિમ સંસ્કાર વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું.
રાજકોટમાં પણ ફુલ સ્પીડમાં આવતા એક ડમ્પરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત થયાની ઘટના તાજેતરમાં જ બની હતી. જેમાં નોકરી પરથી એક્ટિવા પર નીકળેલી મહિલા ડોક્ટરને ડમ્પરે ટક્કર માર્યા બાદ અડફેટે લેતા માથા સહિતના ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.SS1MS