દત્તક લીધેલા પાલનપુરની શેરીઓમાં રહેતા 101 બાળકોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના અધિકારીશ્રીઓએ દત્તક લીધેલા પાલનપુર શહેરની શેરીઓમાં રહેતા ૧૦૧ બાળકોને સહાય વિતરણનો કાર્યક્રમ પાલનપુર ખાતે ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં દાતાશ્રીઓના સહયોગથી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અને મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કુલ બેગ, બુટ-મોજા, કંપાસ બોક્ષ સહિતની શૈક્ષણિક કીટ અપાઇ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના છેલ્લા ૯ વર્ષના શાસનમાં વહીવટી તંત્રમાં આમૂલ પરિવર્તન અને બદલાવ આવ્યો છે. સરકારશ્રીના સંવેદનશીલ અભિગમના કારણે બનાસકાંઠા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શેરીમાં રહેતા બાળકોને દત્તક લઇ તેમના શિક્ષણની ચિંતા કરે છે.
જિલ્લામાં આવા ૧૦૧ બાળકોને અધિકારીશ્રીઓએ દત્તક લીધા છે જેના પરિણામે આ બાળકો ભણી-ગણીને આગળ વધશે. જેનાથી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. તેમણે દાતાશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, દાતાશ્રીઓના દાન અને વહીવટી તંત્રના અધિકારીઓના સરાહનીય પ્રયાસોથી મજુરી કરીને જીવન ગુજારતા પરિવારના બાળકોનું પણ ભવિષ્ય ઉજળું બનશે.
આ કાર્યક્રમના દાતાશ્રી અને સંવેદના ટ્રસ્ટના ડાયરેક્ટરશ્રી શિલ્પાબેન વૈષ્ણવે બાળકોને ભણવાની અપીલ કરતાં જણાવ્યું કે, બાળકોના અભ્યાસ અને સર્વાગી વિકાસ માટે સરકારશ્રીએ ૮૫ જેટલી યોજનાઓ અમલી બનાવી છે ત્યારે તમારે ભણવાનું છે.
તેમણે બાળકોના વાલીઓને કહ્યું કે, તમારા બાળકોની પુરતી કાળજી લઇ તેમને ભણાવી- ગણાવી આગળ વધારીએ. જાે તમે તમારા બાળકોના અભ્યાસ માટે સારસંભાળ ન લઇ શકતા હોય તો સરકારે બાળ ચિલ્ડ્રન હોમ બનાવેલા છે તેમાં મુકીને પણ તેમનું ભવિષ્ય સુધારી શકાશે.
દાતાશ્રી ર્ડા. ગિરધરભાઇ પટેલે જણાવ્યું કે, આપણું બાળક સુખી થાય એ માટે એને ભણાવવું ખુબ જરૂરી છે. તેમણે બાળકોના પોષણ પર ભાર મુકતા જણાવ્યું કે, જાે ઘરમાં જાે બે કે ત્રણ બાળક હશે, તો તેમનું તમે સારી રીતે પાલન-પોષણ અને લાલન-પાલન કરીને સારું ખવડાવી શકશો જેનાથી કુપોષણ હટશે એમ કહી કુંટુંબ નિયોજન અપનાવવા તથા રાષ્ટ્ર નિર્માણમાં આપણા બાળકો સહભાગી બને તે માટે તેમને તૈયાર કરવા જણાવ્યું હતું.
સેવાભાવી એડવોકેટશ્રી પ્રકાશભાઇ ધારવાએ બાળકોના શિક્ષણ પર ભાર મુકતા કહ્યું કે, આજે સારી રીતે ભણશો તો મોટા થઇને મજુરી નહીં કરવી પડે એ વાતને હંમેશા યાદ રાખી ભણી-ગણીને આગળ વધીએ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.કે.જાેષીએ સરકારશ્રીની યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા તથા વાલીઓને વ્યસનોની બદીઓથી દૂર રહેવા અપીલ કરી હતી.