હાલોલ GIDCમાં દિવાલ ધરાશયી થવાની દુર્ઘટનામાં 4 બાળકોના ઘટનાસ્થળે મોત
(તસ્વીર:- મનોજ મારવાડી) ગોધરા, હાલોલના ચંદ્રપુરા ગામે આવેલી સનમુખા નામની એગ્રો કેમિકલ કંપનીની દીવાલ ધરાશાયી થતાં બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ઝૂંપડાં બાંધી રહેતા અને શિવરાજપુર જીએમડીસીના ડસ્ટનું કામ કરતા બે મજૂર પરિવારો દીવાલ નીચે દબાઈ ગયા હતા, જેમાં બે બાળકો અને બે બાળકીનાં મોત નીપજ્યાં છે.
જેમાં 3 તો સગાં ભાઈ-બહેન હતા. એક જ દંપતીના બે પુત્ર અને એક પુત્રીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હાલોલના ઔદ્યોગિક વસાહતમાં આવેલા ચંદ્રપુરા ગામે આવેલી શૈલી એન્જિનિયરિંગ કંપનીની સામે દુર્ઘટના સર્જાઈ છે.
હાલોલમાં બપોરે વરસેલા ભારે વરસાદમાં ઔદ્યોગિક વસાહતમાં સનમુખા એગ્રો કંપનીની દીવાલ ધરાશાયી થઈ હતી. એ બાજુમાં ઝૂંપડાં બાંધી રહેતા મજૂરોના પરિવાર ઉપર પડતાં દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા,
જ્યાં બે બાળકો અને બે બાળકીનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઇજાગ્રસ્ત એક બાળક, બાળકી અને બે મહિલાને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યાં છે. દુર્ઘટનાની જાણ હાલોલ પ્રાંત અધિકારીને થતાં પ્રાંત અધિકારી મયૂર પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા છે.
દુર્ઘટના સર્જાયા બાદ દબાયેલા આઠ લોકોને મલબા નીચેથી બહાર કાઢી બકેટમાં નાખીને બહાર રોડ સુધી લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જોકે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવેલા ઇજાગ્રસ્તો પૈકી ચાર બાળકનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે અન્ય બાળકો અને બે મહિલાને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યાં છે.
દુર્ઘટના સર્જાઈ છે એ ખુલ્લા પ્લોટમાં શિવરાજપુર ખાતે આવેલા જીએમડીસીમાંથી ડસ્ટ લાવીને ઢગલા કરવામાં આવતા હતા, જ્યાં એનું પ્રોસેસિંગ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આ ડસ્ટ પ્રોસેસ કરતા મજૂરો ત્યાં ઝૂંપડાં બાંધી રહેતા હતા. તેમનાં ઝૂંપડાં ઉપર એ ખુલ્લા પ્લોટની બાજુમાં આવેલી એક એગ્રો કંપનીની દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ છે.
ઇજાગ્રસ્તોનાં નામ –પાર્વતીબેન અંબારામ (26 વર્ષ) આલિયા જિતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ) મીત જિતેન્દ્રભાઈ ડામોર (02 વર્ષ) હીરાબેન જિતેન્દ્રભાઈ ડામોર (25 વર્ષ)
મૃત્યુ પામેલાં બાળકો- અભિષેક અંબારામ ભૂરિયા (04 વર્ષ)
ગુનગુન અંબારામ ભૂરિયા (02 વર્ષ)
મુસ્કાન અંબારામ ભૂરિયા (05 વર્ષ)
ચીરીરામ જિતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ)