Western Times News

Gujarati News

નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ ખાતે 9 પહેલનો શુભારંભ

પ્રતિકાત્મક

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સના 42મા સ્થાપના દિવસે પ્રાસંગિક પ્રવચન આપ્યું

ડો. મનસુખ માંડવિયા અને પ્રોફેસર એસ. પી. સિંઘ બઘેલે નીટ પીજી અને એમડીએસ ટોપર્સનું સન્માન કર્યું હતું તથા નારી શક્તિ અવૉર્ડ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના શ્રેષ્ઠતા અવૉર્ડ્સ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સર્ટિફિકેટ ઑફ એપ્રિસિએશન અવૉર્ડની શ્રેણીઓમાં આરોગ્ય નિષ્ણાતોને અવૉર્ડ્સ એનાયત કર્યા હતા

આ વૃદ્ધિ તબીબી વિદ્યાર્થીઓ માટે વધુ તકો પૂરી પાડવાનું કામ કરે છે અને ભારત રાષ્ટ્રની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને નિષ્ણાત તબીબો પ્રાપ્ત કરવા સક્ષમ છે, જે વધુ તંદુરસ્ત સમાજ અને વધુ તંદુરસ્ત રાષ્ટ્ર તરફ દોરી જાય છે: ડો. મનસુખ માંડવિયા

તબીબી શિક્ષણ માટે ભારત તેના સુવર્ણ યુગમાં છે: પ્રો.એસ.પી.સિંઘ બઘેલ

મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ ગઈ છે, આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ છે: ડો.વી.કે.પૌલ

નીતિ આયોગના સભ્ય- આરોગ્ય ડો. વી. કે. પૌલને પ્રેસિડેન્ટ એનબીઇએમએસ અવૉર્ડ ઑફ એક્સલન્સથી નવાજવામાં આવ્યા

નવી દિલ્હી,  કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ)માં 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી અને ગઈકાલે રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંઘ બઘેલ, નીતિ આયોગના સભ્ય, આરોગ્ય ડો.વી.કે.પૌલની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

આ સંસ્થા અને સંચાલકીય સભ્યોને શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલ અને અભ્યાસક્રમો માટે અભિનંદન પાઠવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં 25 અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તેમણે પ્રતિબિંબિત કર્યું હતું કે, “આ વૃદ્ધિ તબીબી વિદ્યાર્થીઓ માટે વધારે તકો પ્રદાન કરે છે

અને ભારત રાષ્ટ્રની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ અને નિષ્ણાત ડૉક્ટરો મેળવવા સક્ષમ છે, જે વધુ સ્વસ્થ સમાજ અને વધુ સ્વસ્થ રાષ્ટ્ર તરફ દોરી જાય છે.” તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, દેશના વિકાસમાં તબીબી ક્ષેત્ર સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે અને વિદ્યાર્થીઓને આગામી વર્ષોમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર તરીકે આકાર આપવા અને યોગદાન કરવા માટે પ્રતિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ 9 પહેલ શરૂ કરી હતી, જેમાં સામેલ છેઃ

1.    એનબીઇએમએસ મેડિસિનમાં 11 નવા ફૅલોશિપ અભ્યાસક્રમો

2.    એનબીઇએમએસ ડિપ્લોમા ઇન ઇમરજન્સી મેડિસિન

3.    એનબીઇએમએસ એક્ઝામ કમાન્ડ સેન્ટર

4.    એનબીઇએમએસ સેન્ટર ફોર કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ

5.    એનબીઇએમએસ સારી ક્લિનિકલ પ્રેક્ટિસ માર્ગદર્શિકા (બીજી આવૃત્તિ)

6.    જોઇન્ટ એક્રેડિટેશન પ્રોગ્રામ અને એક્રેડિટેશન ઑફ સ્ટેન્ડ અલોન લેબ્સ એન્ડ ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ

7.    એનબીઇએમએસ કૌશલ્ય અને વર્ચ્યુઅલ તાલીમ કાર્યક્રમ

8.    એનબીઈએમએસ શિક્ષકોને ફેકલ્ટી પદવીનો શુભારંભ

9.    એનબીઇએમએસ મેડિકલ લાઇબ્રેરી

ડૉ. માંડવિયાએ પ્રો. એસ. પી. સિંઘ બઘેલ સાથે આ કૅટેગરીના હેલ્થકેર નિષ્ણાતોને સન્માનિત કર્યા હતા.

1.    નારી શક્તિ પુરસ્કારો

2.    આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અવૉર્ડ્સ ઑફ એક્સલન્સ

3.    એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સર્ટિફિકેટ ઑફ એપ્રિસિએશન અવૉર્ડ

4.    પ્રેસિડન્ટ એનબીઇએમએસ અવૉર્ડ ઑફ એક્સલન્સ

ડૉ. વી. કે. પૌલને પ્રેસિડેન્ટ એનબીઇએમએસ અવૉર્ડ ઑફ એક્સલન્સથી નવાજવામાં આવ્યા હતા.

હેલ્થકેર વર્કર્સની ખાસ કરીને ખૂબ જ નજીકના વિસ્તારોમાં કટોકટીનો સામનો કરનારા પેરા-મેડિકલ સ્ટાફની બહાદુરી માટે પ્રશંસા કરતા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે તેમનાં યોગદાને ભારતને પાવરહાઉસ તરીકેની સમજણ વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે.

વસુધૈવ કુટુમ્બકમ્‌ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનાં પ્રધાનમંત્રીનાં વિઝનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, “તે આપણને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’નાં સૂત્ર સાથે સુસંગત સ્વસ્થ ભારત માટે જ નહીં, પણ વધુ સ્વસ્થ વિશ્વ માટે પણ પ્રયાસ કરવા માટે પ્રેરિત કરે છે.

પ્રો.એસ.પી.સિંઘ બઘેલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય તબીબોની તાકાત અને મૂલ્ય એવું છે કે વિશ્વના દરેક ભાગમાં એક ભારતીય ડૉક્ટર સેવામાં જોવા મળશે. તેમણે આભા કાર્ડને આઝાદી પછી ભારતે જોયેલા સૌથી મહાન ઘટનાક્રમમાંનો એક ગણાવ્યો હતો,

જે હેલ્થકેર સેવાઓને અતિ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયને લાભ આપવા સક્ષમ બનાવે છે. તબીબી શિક્ષણ તેના સુવર્ણયુગમાં છે તે બાબત પર પ્રકાશ પાડતા તેમણે શ્રોતાઓમાંના ટોપર્સને તેમના અનુભવો અને પ્રેરણાઓ નાનાં શહેરો અને ગામડાઓની કૉલેજો અને શાળાઓ સાથે વહેંચવા વિનંતી કરી હતી, જેથી તેઓ આજે જે ટોચ પર છે ત્યાં પહોંચવા માટે તેમને પ્રેરણા આપી શકે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા ડૉ. વી. કે. પૌલે તબીબી શિક્ષણ અને સંબંધિત સંસ્થાઓની વૃદ્ધિ અને વિકાસની પ્રશંસા કરી હતી અને છેલ્લાં આઠ વર્ષમાં થયેલાં પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. આ ક્ષેત્રની સફળતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે,

“સિસ્ટમમાં શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલને કારણે તબીબી શિક્ષણ માટે આ પરિવર્તનકારી સમય છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકો ત્રણ ગણી વધીને 4000 બેઠકોથી વધીને 13000થી વધુ બેઠકો થઈ છે. આચરણમાં ફેરફાર પર ભાર મૂકતા, તેમણે નવા નિયમનકાર તરીકે રાષ્ટ્રીય તબીબી આયોગનો ઉમેરો, નીટની રજૂઆતનો ઉલ્લેખ કર્યો હતો,

જેમાં યોગ્યતા-આધારિત અભ્યાસક્રમ તેમજ ડિસ્ટ્રિક્ટ રિજન્સી પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જે બીજા વર્ષના તમામ પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને જિલ્લા હૉસ્પિટલોમાં તેમની સેવાઓ 3 મહિના માટે પૂરી પાડવાનો આદેશ આપે છે, જે તેમને વંચિતોને સેવા આપવા માટે સક્ષમ બનાવે છે.

આ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકતા તેમણે ટાંક્યું હતું કે મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ છે, જેમાં આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ છે અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે બેઠકો પણ 52000થી વધીને 107,000 અને અનુસ્નાતક માટે 32,000થી 67,000 થઈ છે. ડો. પૌલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સુવર્ણ યુગ છે, અને આ ક્ષેત્રના આગામી ડૉક્ટરો અને નિષ્ણાતોએ તેમાં તેમનું શ્રેષ્ઠ યોગદાન આપવું જ જોઇએ.

નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ) એ ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેને અખિલ ભારતીય ધોરણે આધુનિક ચિકિત્સાનાં ક્ષેત્રમાં પરીક્ષાઓ યોજવાનું કામ સોંપવામાં આવ્યું છે.

એનબીઇએમએસ છેલ્લા 04 દાયકાથી તબીબી શિક્ષણનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે અને વિવિધ હૉસ્પિટલોની માળખાગત સુવિધાઓનો ઉપયોગ ગુણવત્તાયુક્ત પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટડૉક્ટરલ તાલીમ પૂરી પાડવા માટે કરે છે. એનબીઇએમએસ દ્વારા વર્ષોવર્ષ નીટ-પીજી, નીટ-એસએસ અને નીટ-એમડીએસની પરીક્ષાઓનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે. એનબીઇએમએસએ વિવિધ વિશેષતાઓમાં 12,000 પીજી બેઠકો ધરાવતી 1100થી વધારે હૉસ્પિટલોને એક્રેડિટેશન પણ આપ્યું છે.

આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં અધિકારીઓ, એનબીઇએમએસના પ્રમુખ અભિજાત શેઠ, એનબીઇએમએસનાં માનદ કાર્યકારી નિયામક ડૉ. મિનુ બાજપાઇ, એનબીઇએમએસના ગવર્નિંગ બોડીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.