ATM કાર્ડથી મશીનમાં એરર લાવી બેંકો સાથે છેતરપિંડી કરતો ભેજાબાજ ઝડપાયો
બેંકને કોલ કરી રૂપિયા નહિ નિકળતા હોવાનું કહી નાણાં મેળવી લેતો-અઢી લાખથી વધુ રૂપીયા મેળવેલ હોવાની હકીકત જણાવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં બે છ્સ્ મશીન સાથે ૬ કાર્ડથી છેડછાડ કરી ટેક્નિકલ એરેર લાવી બેંક સાથે રૂપિયા ૨.૨૮ લાખની ઠગાઈ આચરનાર આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો પાડયો હતો.
ભરૂચ જીલ્લામાં બેંકો તથા સહકારી સંસ્થાઓની છેતરપીંડીની રજુઆતોને ગંભીરતાથી લઈ એલસીબી દ્વારા સીસીટીવી ફુટેજ,ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરાઈ હતી.હાલમાં ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંક પાલેજ તથા ભરૂચ મુક્તીનગર ખાતેના એટીએમ સેન્ટરમાં કેશ ડીસ્પેન્શર સાથે છેડછાડ કરાઈ હતી.
સિસ્ટમના ડેટાબેઝ તથા અન્ય સોફ્ટવેર પોગ્રામને નુક્શાન પહોંચાડી એટીએમ મશીનમાં એરર લાવી નાણા ઉપાડી અજાણ્યા ઈસમ દ્વારા બેંક સાથે છેતરપીંડી થયેલ હોવાની રજુઆત મળી હતી.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચની ટેક્નિકલ તથા ફીલ્ડ વર્કની ટીમ દ્વારા સીસીટીવી ફુટેજ,બેંકના ATM સેન્ટરનો ડેટા મેળવી ટેક્નિકલ સર્વેલન્સ આધારે ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ હતા.
એલસીબી પીએસઆઈ પી.એમ.વાળા તથા તેમની ટીમ બુધવારે ભરૂચ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન ટેકનીકલ એનાલીસીસના અંતે હકીકત મળેલ કે ધી ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંક પાલેજ તથા ભરૂચ મુક્તીનગર ખાતેના એટીએમ સેન્ટરમાં છેડછાડ કરી. ટેકનીકલ એરર લાવી,નાણા ઉપાડી લેનાર ઈસમ પાલેજ નજીક છે.
જે આધારે એલ.સી.બી ટીમ દ્વારા આરોપીને પાલેજ જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીમાંથી ઝડપી પાડી,તેની ઉડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડેલ અને કેફીયત આપેલ કે, તેને છેલ્લા છ એક મહીનાથી ધી ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંકના (Bharuch District Central Bank) પાલેજ તથા ભરૂચ મુક્તીનગર ખાતેના
એટીએમ સેન્ટરમાં પોતાની પાસેના અલગ – અલગ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી એટીએમ સાથે છેડછાડ કરી,ટેકનીકલ એરર લાવી,નાંણા ઉપાડી લઈ,બાદમા બેંકના કસ્ટમર કેરમાં કોલ કરી રૂપીયા મળેલ નહી હોવાની ફરીયાદ નોંધાવી હતી.
જેમાં બેંક પાસેથી નાંણા મેળવી લેતો હોવાની હકીકત જણાવી આજદીન સુધીમાં અઢી લાખથી વધુ રૂપીયા મેળવેલ હોવાની હકીકત જણાવેલ. મૂળ યુપી અને હાલ પાલેજ ICICI બેંકની પાછળ રહેતા સુધીર ઉમાંશંકર રાઠૌરની ધરપકડ કરી તેની પાસેથી ૬ ATM કાર્ડ, મોબાઈલ,રોકડા રૂપીયા મળી રૂપિયા ૬૧૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીએ અન્ય કોઈ બેંક સાથે છેતરપીંડી કરેલ છે કે કેમ તેની સાથે અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ છેતરપીંડીથી મેળવેલ નાંણા રીકવર કરવા વધુ તપાસ પાલેજ પોલીસ ઈન્સ્પેક્ટર પાલેજ નાઓ ચલાવી રહ્યા છે.