રણછોડભાઇ રણમાં ઉંટના પગના નિશાન જાેઈ ભારતીય સેનાને ઉંટ પર કેટલા લોકો સવાર છે તે કહી દેતા
વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય સેના સેના માટે ગાઈડની ભૂમિકા ભજવનાર જાંબાઝ રણછોડભાઇ પગીની વીરતાને બિરદાવી છે. શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે લખેલા પત્રનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે
સાધારણ સંજાેગોમાંથી આવતા અસાધારણ નાયકોના શૌર્યનું ઉચિત સન્માન થાય તે તેમની સરકારની પ્રાથમિકતા રહી છે. એમણે ઉમેર્યું કે એ જરૂરી છે કે આવા લોકોની જીવન ગાથા પ્રજા સામે આવે જેથી આવનારી પેઢી એમની વીરતા, એમના સાહસ અને પરાક્રમમાંથી પ્રેરણા લઇ શકે. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આઝાદીના અમૃત કાલખંડમાં પોતાના વારસા, આપણા નાયકો માટે ગૌરવ અનુભવી દેશ નિરંતર આગળ વધી રહ્યો છે.
રણછોડભાઈ પગી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના એ ગુમનામ નાયકોમાંના એક છે જેની આજની પેઢીને જાણકારી નથી. એમની પાસે એક ખાસ હુન્નર હતું જેના કારણે એમણે બંને યુધ્ધોમાં અગત્યની ભૂમિકા ભજવી. રણછોડભાઈ પગી કચ્છના રણમાં ઊંટના પગના નિશાન જાેઇને જણાવી દેતા કે ઊંટ પર કેટલા લોકો સવાર છે,
એટલું જ નહીં માણસના પગન નિશાન જાેઈ એમના કદ કાઠી વિષે પણ તેઓ જાણકારી આપી શકતા હતા. એમની આ વિલક્ષણ પ્રતિભાને કારણે એમણે ભારતીય સેના માટે આ યુદ્ધોમાં ગાઈડની ભૂમિકા નિભાવી અને દુશ્મનોની હિલચાલની જાણકારી આપતા રહેતા.
આવા નાયકોની પ્રેરક ગાથાઓ સમાજ સમક્ષ ઉજાગર કરવાના ભાગરૂપે ગુજરાતના શાળા પાઠ્યપુસ્તકમા રણછોડભાઈ પગીની જીવનગાથાને સમાવવામાં આવી છે. સરકાની આ પહેલને બિરદાવતાં શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે તાજેતરમાં પત્ર લખ્યો હતો.
એમણે કહ્યું કે રણછોડભાઈ પગીના પ્રેરક જીવનને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાથી ભાવી પેઢી સુધી તેમની શૌર્યગાથાની જાણકારી સરળતાથી પહોંચશે. વીર નાયકોની આવી ગાથાઓ બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ નીવડશે.