નવસારીના ખેરગામમાં સૌથી વધુ ૩૦ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ
(એજન્સી)અમદાવાદ, નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં નોંધાયો છે. સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ખેરગામમાં સવા નવ ઇંચ વરસાદ પડતાં ખેરગામ પાણી પાણી થયુ છે. ત્યાર બાદ પણ અવિરત વરસી રહેલા વરસાદને કારણે ખેરગામની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે.
૩૦ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ પડતાં ખેરગામની ગાંધીનગર સોસાયટીમાં પાણી ભરાવા સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘુસતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘરોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સંબંધીઓ મદદે આવ્યા છે. જ્યારે ગ્રામ પંચાયતે પાણી ભરવા મુદ્દે કોઈ સુધ પણ નથી લીધી. ત્યારે સોસાયટી નજીક થયેલા દબાણને કારણે પાણીનો નિકાલ ન થતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કર્યુ છે. નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહી રહી છે અને હવે પુરની સ્થિતિ સર્જી રહી છે. ત્યારે કાવેરી નદી ૧૪ ફૂટે વહેતી થતાં બીલીમોરા શહેરના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.