રાજકોટમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું મોત
રાજકોટ, ગોંડલ હાઇવે પર આવેલી શિવ હોટલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવમાં અજાણ્યા વાહનચાલકે ગત બીજી જુલાઈના રોજ સવારના ૮થી ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરતાં સમયે ૬૫ વર્ષીય વિજયાબેન પાઠક નામના વૃદ્ધાને અડફેટે લેતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે મૃતકના પુત્ર કાંતિભાઈ પાઠક દ્વારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૨૪૯, ૩૩૭, ૩૦૪ (એ) તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં કાંતિભાઈ પાઠક નામના વ્યક્તિએ જણાવ્યું છે કે, બીજી જુલાઈના રોજ હું સવારના ૦૯ઃ૦૦ વાગ્યાના અરસામાં મારા ઘરે હતો. ત્યારે ૧૦૮ ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા ડોક્ટરનો મારા પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, માજીનું ગોંડલ હાઇવે રોડ પર આવેલ શિવ હોટલ સામે એક્સિડન્ટ થયું છે.
જેમને અમે તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લઈ જઈ રહ્યા છીએ. બનાવ સંદર્ભે પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા મારી માતાના માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેમની સારવાર ચાલુ હતી. દરમિયાન રાત્રિના ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તબીબે મારી માતાનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. મારી માતા વિજયાબેન પાઠક શાપર મારા માસીના ઘરે રોકાવા ગયા હતા.
ત્યાંથી મારા માસીનો દીકરો મેહુલ તેમને રાજકોટ મુકવા પરત આવ્યો હતો. ત્યારે શિવ હોટલ સામે રોડ ક્રોસ કરતાં સમયે અજાણ્યા વાહનચાલકે મારી માતાને અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા સંબંધિત ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમજ આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે.SS1MS