Western Times News

Gujarati News

વેપારીઓ પાસેથી ૨.૨૮ કરોડનો માલ મેળવી પિતા-પુત્ર રફૂચક્કર

રાજકોટ, રાજકોટમાં શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજેન્દ્રભાઈ અંટાળા સહિત ૧૬ જેટલા વ્યક્તિઓ પાસેથી ૨,૨૮,૧૦,૫૯૭ રૂપિયાની કિંમતની ૨૮૯.૦૯૭ કિલો ચાંદીના દાગીના બે જેટલા આરોપીઓ લઈને રફૂચક્કર થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સમગ્ર મામલે રાજેન્દ્રભાઈ અંટાળા દ્વારા સુરેશભાઈ ઢોલરીયા તેમજ તેના પુત્ર કેતનભાઇ ઢોલરીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૪૦૬ તેમજ ૧૧૪ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી અંગે થોડા સમય પૂર્વે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, સુરેશ ઢોલરીયા અને કેતન ઢોલરીયા રાજકોટની સોની બજાર સ્થિત માંડવી ચોકમાં સીએસ જ્વેલર્સ નામની પેઢી ચલાવે છે.

પિતા પુત્ર ટ્રેડિંગનો ધંધો કરતા હોવાથી છેલ્લા ચાર મહિનાથી અમારા સંપર્કમાં છે. પિતા પુત્રને મેં ૨૬ કિલો ૭૭૪ ગ્રામ ચાંદીના દાગીના આપ્યા હતા પરંતુ આજ દિવસ સુધી મજૂરી સહિત ચાંદીના દાગીનાની થતી રકમ મને પરત નથી આપી. તેમજ કેતન ઢોલરીયા તેમજ તેના પિતાએ મારા સિવાય ૧૫ જેટલા ચાંદીના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

બંને પિતા પુત્રોએ અલગ-અલગ વેપારીઓ પાસેથી ચાંદીના દાગીના ટ્રેડિંગ માટે લઈ જઈ બાદમાં દાગીના કે પૈસા પરત ન આપી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા પિતા પુત્રની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પિતા પુત્ર દ્વારા હસમુખભાઈ કાસુન્દ્રા નામના વ્યક્તિ પાસેથી અંદાજિત ૪૭ લાખ રૂપિયાની કિંમતની છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે તરુણભાઈ ચાવડા નામના વેપારી સાથે અંદાજિત ૩૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.