ડાંગ જિલ્લાના પ્રાઇવેટ ડોક્ટર્સ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વર્કશોપનું આયોજન કરાયું
આહવા, ક્ષય કાર્યક્રમમા આવેલ નવીન અપડેટ્સ બાબતે ડાંગ જિલ્લાના પ્રાઇવેટ ડોક્ટર્સ માટે જનરલ હોસ્પિટલ ખાતે આહવા ખાતે કમ વર્કશોપનુ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ખાનગી તબીબોની કમ વર્કશોપનુ દર ૬ માસે આયોજન કરવામાં આવે છે.
જેનો મુખ્ય હેતુ ખાનગી તબીબોના સહકારથી ડાંગ જિલ્લામાંથી ટીબીના નિર્મૂલન અંગે અસરકારક કામગીરી હાથ ધરી શકાય. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન અનુસાર સને ૨૦૨૫ સુધી ટીબી નાબુદીકરણનો લક્ષ હાસલ કરવા માટે, ડાંગ જિલ્લામાં હાલની પરીસ્થિતિને અનુરૂપ કઈ કઈ કામગીરી થઈ રહી છે,
અને કઈ કામગીર કરવામાં આવશે તે અંગેની ચર્ચા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ભાર્ગવ દવે દ્વારા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ નિશ્ચય મિત્ર દ્વારા ટીબીના દર્દીને પોષણ યુક્ત આહાર માટે કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
જે અંગે પણ અહીં ચર્ચા કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં ટીબીના કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. જિલ્લામાં નવા ટીબીના કેસ શોધવાની કામગીરીમાં સને ૨૦૨૨માં ખાનગી તબીબોનું યોગદાન લક્ષ્યાંક પ્રમાણે ઓછું રહયું હતું.
આથી ઉપસ્થિત તબીબોને ટીબી કેસની નોંધણી માટે, વિગતવાર સમજ આપવામાં આવી હતી. કેસ નોંધવા માટે સરકારશ્રી દ્વારા ખાનગી તબીબને મળતાં નાણાકિય લાભ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ ક્ષય દિવસ માર્ચ-૨૦૨૩ના દિવસથી વડાપ્રધાનશ્રી દ્વારા ‘ધ ટીબી મુક્ત પંચાયત’ પહેલ શરૂ કરવામાં આવેલ છે.