Western Times News

Gujarati News

નાણાકીય સાક્ષરતા પર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય અખિલ ભારતીય RBI ક્વિઝ

જી-20ના ભારતના પ્રમુખપદના નેજા હેઠળ તથા 14-18 જુલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં  આયોજિત નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (એફએમસીબીજી) તથા ફાયનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (એફસીબીડી)ની ત્રીજી બેઠકના અનુસંધાનમાં સમગ્ર શિક્ષા અભિયાન, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગરના સહયોગથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,

અમદાવાદ દ્વારા 07 જુલાઈ, 2023 ના રોજ અમદાવાદ ખાતે ગુજરાતની શાળાના બાળકો તથા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના  બાળકો માટે નાણાકીય સાક્ષરતા પર  રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું  હતું.

આ ક્વિઝ આઠમા, નવમા અને દસમા ધોરણના સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે નાણાકીય જાગૃતિ અને સાક્ષરતા પર આધારિત હતી.

આ ક્વિઝમાં ગુજરાતના 33 જિલ્લા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ એમ ત્રણ જિલ્લામાંથી કુલ 72 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અગાઉ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી તાલુકા અને જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધાના આધારે ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.

આ ક્વિઝ નાણાકીય સાક્ષરતાના પ્રયત્નોને વધુ વેગ આપવાના અને આર્થિક રીતે જાગૃત અને સશક્ત ભારતના નિર્માણના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવાના હેતુથી હાથ ધરવામાં આવી હતી. ક્વિઝમાં આવરી લેવામાં આવેલા વિષયો જી -20, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધિત હતા.  વિદ્યાર્થીઓનો હર્ષ અને ઉત્સાહ આનંદકારક હતો. આ કાર્યક્રમમાં  વિદ્યાર્થિનીઓની પ્રોત્સાહક ભાગીદારી જોવા મળી હતી.

સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ – સેલવાસ, , સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ – બુચડવાડા (દીવ) અને સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ – મોટી દમણવાડા(દમણ) એ કેન્દ્રશાસિત પ્રદેશ ના સ્તરે અનુક્રમે  પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું. સરકારી પ્રાથમિક શાળા – ભુજ, શ્રી નાની કુંડલ માધ્યમિક શાળા – બાબરા (અમરેલી)

અને દેર કન્યા પ્રાથમિક શાળા – પાટણ એ  ગુજરાત રાજ્ય કક્ષાની ક્વિઝ માટે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું. ટોચની વિજેતા ટીમો ઓગસ્ટ ૨૦૨૩ (કામચલાઉ ધોરણે) માં યોજાનારા ઝોનલ સ્તરીય રાઉન્ડમાં ભાગ લેશે. ત્યારબાદ, ઝોનલ સ્તરીય ક્વિઝની વિજેતા ટીમોમાંથી રાષ્ટ્રીય સ્તરની ક્વિઝ યોજાશે.

આ પ્રસંગે આરબીઆઈના મ.પ્ર. (ઓ-આઈ-સી) શ્રી અશોક પરીખ, આરબીઆઈના ઉ.મ.પ્ર. શ્રીમતી તનુશ્રી નીતિન ડોલારે, એસબીઆઈના મ.પ્ર. શ્રી પ્રણય રંજન દ્વિવેદી, નાબાર્ડના ઉ.મ.પ્ર. શ્રી એમ. પી. સિંહ અને  સ્ટેટ પ્રોજેક્ટ કાર્યાલયના સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ શ્રી મહેશ મહેતા  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.