વ્યાજે પૈસા લાવી ઓપરેશન કરાવ્યુઃ દર્દીનું મોત થતાં પરિવારજનો લાલઘૂમ
કલોલમાં ઓપરેશન વખતે દર્દીનું મોત થતાં પરિવારજનો લાલઘૂમ
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઓપરેશન વખતે દર્દીનું મોત થતાં પરિવારજનો લાલઘુમ થયા હતાં અને ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
લાશ સ્વિકારવાના ઈન્કાર સાથે હોસ્પિટલ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી ત્યારે તબીબની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. જાેકે મોડી સાંજ સુધી પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
અરવિંદભાઈ બળદેવભાઈ રાવળ (ઉ.૩૪ રહે. બોરીસણા)ને યુરીનની તકલીફ થતાં સારવાર માટે બોરીસણાની ખાનગી હોસ્પિટલમાં ગયો હતો ત્યારે પ્રોસ્ટેટની તકલીફ જણાતાં તબીબે ઓપરેશન કરાવવાનું કહ્યું હતું પરંતુ અરવિંદભાઈ મજુરી કામ કરતા હોઈ વ્યાજે પૈસા લાવીને હોસ્પિટલમાં પહોંચ્યા હતા
અને ગત રાત્રે દાખલ થયા બાદ સોમવારે દર્દીને ઓપરેશન માટે થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા જયાં ઓપરેશન ટેબલ ઉપર જ દદી અરવિંદભાઈએ દમ તોડી દીધો હતો. દર્દીનું મોત થયું હોવાની જાણ થતાં હોસ્પિટલમાં દોડી ગયેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો
અને ડોકટરની બેદરકારીના કારણે દર્દી અરવિંદભાઈનું મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા. અરવિંદભાઈ છૂટક મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અચાનક મોતથી તેમનો પરિવાર નોંધારો બન્યો છે.