Western Times News

Gujarati News

મચ્છરોના પોરા મળી આવતાં GIDCના ૧૬ એકમને નોટિસ ફટકારી

પ્રતિકાત્મક

ગાંધીનગર, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

તે દરમિયાન મચ્છરોના પોરા મળતાં જીઆઈડીસીના ૧૬ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી તેની સાથે હવે પછી આવી બેદરકારી સામે આવશે તો પગલા ભરવા માટે ચેતવણી આપવામાં આવી હતી.

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તા.૧૦મી જુલાઈના રોજ વાહક જન્ય રોગોના અટકાયત માટે વાવોલ, જીઆઈડીસી, ધોળાકુવા વિસ્તારમાં સર્વે કામગીરી કરવામાં આવી હતી તેની સાથે ગાંધીનગરના જીઆઈડીસી વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ૧૧૬ જેટલા ઓદ્યોગિક અને વ્યાપારિક એકમોની વેકટર કંટ્રોલ ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમાંથી જીઆઈડીસી ખાતે ૧૩ એકમો અનુક્રમે સિકલ લીમીટેડ, એરો લેબ, ઓમની લેન્સ કંપની, ટી.આર.ઓ.એમ. લીમીટેડ, એચએલએસ એશિયા લિમિટેડ,

બેકર લુગીસ ઓઈલ ફિલ્ડ, એમપી ઈલેકટ્રોનિક, કલીન-ર૪, પેરેડાઈઝટેક, એફ ટી એ સોલ્યુશન, તિરુપતિ ઈન્ડસ્ટ્રીઝ, નારાયણ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ તેમજ જીઆઈડીસી ખાતે આવેલી લોન્ડ્રીમાં મચ્છરોની ઉત્પતિ મળી આવતા તેને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત વાવોલ ખાતે સહજાનંદ સ્કાઈલાઈન અને સિદ્ધાર્થ હોટેલ અને આરબીએલ રણજીત મેટ્રો સાઈટ ધોળાકુવાને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. ભવિષ્યમાં સંક્રમણ ન ફેલાય તે માટે અવશ્યક સુચનો સાથે તાકિદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરાયેલા પાણીના ખાબોચિયામાં મચ્છરોના પોરા મળી આવતાં ઓઈલના છંટકાવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.