VHPના સહમંત્રીના ઘરે તોડફોડ કરનાર બજરંગ દળના પૂર્વ પ્રમુખ સામે ગુનો
ગાંધીનગર, ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રીના ઘરે લોખંડની પાઈપ વડે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવનાર બજરંગ દળના પૂર્વ પ્રમુખ તેમજ તેના પિતા વિરુદ્ધ સેકટર-૭ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સામે આવી છે.
બનાવની વિગતો એવી છે કે ગાંધીનગર શહેરના સે-૩/સી પ્લોટ નંબર ૪૩૧/ર માં રહેતી રાજવીબા ગણપતસિંહ અર્જુનસિંહ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા મુજબ તેમના પિતા ગણપતસિંહ વિશ્વ પરિષદમાં ગાંધીનગર જિલ્લા સહમંત્રીનો હોદ્દો ધરાવે છે.
જયારે રાજવીબા પોતે પણ ગાંધીનગર નગરદુર્ગા વાહિનીમાં પ્રમુખ તરીકે સેવા આપે છે. ગત તા.૯મી જુલાઈએ સવારે દસ વાગ્યાના અરસામાં સેકટર-૭ ભારત માતા મંદિર ખાતે બજરંગ દળની બેઠક મળી હતી. તેમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધિકારીઓના નિર્ણયથી રાજવીબાનાં માસાના મોટાભાઈ હિતેન્દ્રસિંહ રતનસીહ વાઘેલા (રહે- સેકટર-૪/એ ઓમકારેશ્વર મંદિરની સામે)ને બજરંગ દળના પ્રમુખ પદેથી હટાવી બીજી કામગીરી સોંપવાનો પ્રાંત સંગઠન ધ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે હકીકત રાજવીબાએ ઘરે જઈને તેની માતાને જણાવી હતી.
દરમિયાન રાતના ૧૦.પ૦ વાગે હિતેન્દ્રસિંહ વાઘેલાએ તેના પિતાના મોબાઈલ ઉપર ફોન કરી કહ્યુ હતું કે તારા લીધે મને પ્રમુખ પદેથી બદલ્યો છે. મારે તને મળવું છે.
આથી ગણપતસિંહે રાત્રીનો સમય હોવાથી નહી મળવાનું કહેતા વારંવાર ફોન કર્યા હતા. બાદમાં રાત્રે ૧૧ વાગે રાજવીબાના માસા સુરેન્દ્રસિંહ તેમજ હિતેન્દ્રસિંહ ઘરે ગયા હતા. તેમના હાથમાં લોખંડની પાઈપો હતી અને તેઓ જાેર જાેરથી બુમો પાડી અપશબ્દો બોલી ગણપતસિંહને બહાર આવવાનું કહેતા હતા
જેથી ગણપતસિંહ ઘરની બહાર નહી નીકળતા બંને જણાએ ઘરનો આગળનો કાચ તથા પાછળ ભાગે રસોડાની બારીનો કાચ તોડી નાખ્યો હતો અને ધમકી આપી હતી કે તું બહાર આવ આજે તો તને જાનથી મારી નાખીશું તેવી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.