અમદાવાદ પશ્ચિમ ઝોનમાં 11 દિવસમાં ૨૨૦ સ્થળે ખાડા પુરાયા
નારણપુરામાં ૫૦થી વધુ અને નવરંગપુરામાં ૪૮થી વધુ સ્થળોએ રોડ મોટરેબલ બનાવાયા
અમદાવાદ, ડામર અને પાણી વચ્ચેના વેરના કારણે દર ચોમાસામાં શહેરના રોડને ઓછા-વધતા પ્રમાણમાં ઘસારો લાગે છે. વરસાદની ઋતુ આવે એટલે કે અમુક રોડમાં રકાબી આકારના ખાડા પડી જતા હોય છે. કેટલાક રોડ વોરન્ટી પીરીયડ બહારના હોય તો તે ધોવાય છે.
જાેકે મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં પણ રોડ પરના ખાડા પૂરવાની કામગીરી સતત હાથ ધરાતી રહી છે. તંત્ર જે તે રોડના ખાડાને પૂરવાની કામગીરીમાં ધમધમાટ કરતું હોઈ એકલા પશ્ચિમ ઝોનમાં છેલ્લા ૧૧ દિવસમાં ૨૨૦ જેટલા રોડમાં પેચવર્કનાં કામ કરાયાં હોવાનું જાણવા મળ્યું છે.
રોડ પર ખાડા પડે તો સ્વાભાવિકપણે ટુ વ્હીલરચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. નાના-મોટા ખાડામાં ટુ વ્હીલરચાલક જાણે-અજાણે જાે ખાડામાં પાણી ભરાયું હોય અને પટકાય તો ઈજાગ્રસ્ત પણ બને છે. દર ચોમાસામાં રોડ પરના ખાડા ટુ વ્હીલરચાલકોને તોબા પોકારતા આવ્યા છે.
ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં મેઘમહેર થવાથી અત્યાર સુધીમાં સાડા પંદર ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને વરસાદનું પ્રમાણ સારું એવું હોવાથી સ્વાભાવિકપણે ડામર અને પાણી વચ્ચેના વેરથી તંત્ર દ્વારા આ ખાડા પૂરવા માટે પેચવર્કનાં કામો યુદ્ધસ્તરે હાથ ધરાઈ રહ્યા છે.
રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે, ગત તા.૨૭ જૂનથી તા.૬ જુલાઈ સુધીના ૧૧ દિવસમાં એકલા પશ્ચિમ ઝોનમાં ૨૨૦થી વધુ રોડમાં પેચવલ્નાં કામ સફળતાપૂર્વક આટોપી લેવાયાં છે. અન્ય ઝોનમાં પણ જ્યાં જ્યાં ફરિયાદ મળી છે ત્યાં ત્યાં હોટમિક્સ, ઇન્ફ્રારેડ અને જેટપેચર્સ મશીનની મદદથી ખાડા પૂરીને જે તે રોડને મોટરેબલ બનાવવાની દિશામાં તંત્રને કડક તાકીદ કરાઈ છે.
પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં જીએસઆરટીસી બસ સ્ટેન્ડ સામે, ઇન્કમટેક્સ બ્રિજનો એપ્રોચ, સુભાષ સર્કલ પાસે, કલેક્ટર ઓફિસ સામે, નાબાર્ડ બેન્ક પાસે, શાહ હોસ્પિટલ પાસે, ભીમજીપુરા જ્યોતિસંઘ પાસે, ભીમજીપુરા મોજણીભવન પાસે, વંદે માતર ગાર્ડન,
ભાવસાર હોસ્ટેલ, રામાપીર ટેકરા પાસે, એમપીની ચાલી, ગુરુ ભગવાનની ચાલી, ૨૮, કેશવનગર, રાઉન્ડ ટેબલ સ્કૂલ પાસે, પાર્થ એપાર્ટમેન્ટ, બિન્દુ પાર્ક, આરટીઓ સર્કલ, ચીમનભાઈ બ્રિજ પાસે, સૂર્યનારાયણ સોસાયટી, બેન્ક ઓફ ઈન્ડિયા પાસે, વાડજ ગામ, ચંદ્રભાગા હાઉસિંગ, કેશવનગર સોસાયટી, વાડજ સર્કલ, નીલ કોમ્પ્લેક્સ, પંચશીલ ટ્યૂબવેલ ખાતે પેચવર્કની કામગીરી કરાઈ છે.
જ્યારે વાસણા વોર્ડમાં અંજલિ ચાર રસ્તાથી ચંદ્રનગર બીઆરટીએસ કોરિડોરનો મિક્સ ટ્રાફિક, શ્રેયસ બ્રિજ નીચે, ગુપ્તાનગર, ચામુંડાનગર, ખોડિયાર ચાલી, વાસણા ગામ બસસ્ટેન્ડ પાસે, પ્રજાપતિ ગાર્ડન પાસે, પી ન્ડ ટી કોલોની રોડ અને જીબી શાહ કોલેજ રોડ ખાતેના ખાડા પૂરી દેવાયા છે.
પાલડી વોર્ડમાં કલ્યાણ જ્વેલર્સ પાસે, છડાવાડ પોલીસ ચોકીથી ભુદરપુરા રોડ, કોચરબ ગામ, પરિમલ અંડરપાસ, ઝૂડિયો શો રૂમ પાસે, વિશાલ ફ્લેટની નિકેત પટેલ સુધીનો રોડ, પાલડી ચાર રસ્તા ઉડિપી રેસ્ટોરાં પાસે, પાલડી ચાર રસ્તાથી એનઆઈડી જંક્શન સહિતનાં સ્થળોએ પડેલા ખાડામાં પેચવર્કનું કામ કરાયું છે.
નારણપુરામાં સુંદરનગર, વિજય કોલોની, અંકુર ચાર રસ્તા સહિતનાં ૫૦થી વધુ સ્થળોએ, નવરંગપુરામાં મીઠાખળી ગામ, ગુલબાઈ ટેકરા, ઈશ્વરભુવન રોડ સહિતનાં ૪૮થી વધુ સ્થળોએ, રાણીપમાં ગીતા મેડિકલ સ્ટોર, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી સહિતનાં ૧૦ સ્થળોએ,
સાબરમતીમાં પાવર હાઉસથી વિસત રોડ, નર્સરી રોડ સહિતનાં આઠ સ્થળો, ચાંદખેડામાં માનસરોવર રોડ, ન્યૂ સીજી રોડ સહિત આઠ સ્થળોએ, નવા વાડજમાં વાડજ ગામ, શાક માર્કેટ, ભીમજીપુરા સર્કલ સહિત ૧૦ સ્થળોએ પેચવર્કનાં કામ કરાયાં હોવાનું રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે.