નેશનલ હાઈવેની કામગીરીને પણ ઉત્તર અને દક્ષિણ બે અનુભાગોમાં વહેંચવાનો નિર્ણય
માર્ગ-મકાન વિભાગની કામગીરી વધુ અસરકારક- સમયબદ્ધ તથા ગુણવત્તાયુક્ત બનાવવા શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્ય ઈજનેર સ્ટેટ અને મુખ્ય ઈજનેર પંચાયતનાં સ્થાને ત્રણ રીજીયન વાઈઝ જગ્યાઓ રીસ્ટ્રક્ચર કરાશે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ રીજીયનનાં મુખ્ય ઈજનેરોએ તેમનાં રીજીયનની પંચાયત અને રાજ્ય બેય રસ્તાઓની કામગીરી સંભાળવાની રહેશે.
અઠવાડીયામાં ઓછામાં ઓછા બે દિવસ ગુણવત્તાને પ્રાધાન્ય આપતા કામોની વિઝીટ કરવાની થશે.
કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની કામગીરીનો વાર્ષિક રીવ્યુ કરાશે-જો કામગીરી યોગ્ય નહી હોય તો નિયમાનુસારની કાર્યવાહી ઝડપી-અસરકારક અને સમયસર કરવા મુખ્યમંત્રીની સૂચના.
રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરું પાડીને ઈઝ ઓફ લિવીંગ વધારવાની નેમ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં સર્વગ્રાહી વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગની કામગીરીને વધુ વ્યાપક, અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવાની પહેલ રૂપે શ્રેણીબદ્ધ મહત્વના નિર્ણર્યો કર્યા છે.
ગુજરાતે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે દેશ વિદેશમાંથી મૂડી રોકાણો મેળવીને ઉદ્યોગ ક્ષેત્રે અપ્રતિમ પ્રગતિ હાંસલ કરી છે. એટલું જ નહી કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનાં ક્ષેત્રોમાં પણ ગુજરાત વિકાસનુ રોલ મોડલ બન્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં યાતાયાત-વાહન વ્યવહાર માટે ઉદ્યોગો, નાગરિકો અને પ્રજા વર્ગોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરું પાડીને ઈઝ ઓફ લિવીંગ વધારવાની નેમ રાખી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની કામગીરી વધુ ઈફેક્ટીવ, ટાઈમલી અને ક્વોલીટેટીવ બનાવવા અધિકારીઓનાં કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી એટલે કે રેશનલાઈઝેશન ઓફ રીજીયનને ધ્યાનમાં લઈને કામગીરીમાં સુચક ફેરફાર કરવાનાં શ્રેણીબદ્ધ નિર્ણયો કર્યાં છે.
રાજ્યમાં માર્ગોનાં વધુ અસરકારક મોનીટરીંગ અને સુપરવિઝન માટે મુખ્ય ઇજનેર સ્ટેટ અને મુખ્ય ઇજનેર પંચાયત એમ હાલની બે જગ્યાઓને બદલે મુખ્ય ઇજનેર ઉત્તર ગુજરાત, મુખ્ય ઇજનેર દક્ષિણ ગુજરાત અને મુખ્ય ઇજનેર સૌરાષ્ટ્રની જગ્યા રીઓર્ગેનાઈઝ અને રિસ્ટ્રક્ચર કરવામાં આવી છે.
આ મુખ્ય ઇજનેરો તેમના વિસ્તારના રાજ્ય તથા પંચાયતના એમ બંને રસ્તાઓની કામગીરી સંભાળશે તેમજ તેઓના વિસ્તારની કામગીરીની ગુણવત્તા અંગે જવાબદાર રહેશે.
એટલું જ નહી મુખ્ય ઈજનેરોએ દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ ગુણવત્તાને પ્રાધાન્ય આપતા કામોની વિઝીટ કરવાની રહેશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં સતત વધારો થવાનાં પરિણામે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીની પણ ઉત્તર અને દક્ષિણ એમ બે અનુભાગમાં વહેંચણી કરવાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ માર્ગોનાં કામોની ગુણવત્તા વધારવા સંદર્ભે મુખ્ય ઇજનેર ગુણવત્તા નિયમનનું તંત્ર વધુ સુદ્રઢ બનાવવાનાં હેતુથી દક્ષિણ ગુજરાતના ગુણવત્તા અંગેનું ટેકનિકલ ઓડિટ તથા ચકાસણી અન્ય મુખ્ય ઇજનેરને સોંપવા માટે પણ નિર્ણય કર્યો છે.
આવતા થોડા સમયમાં ટેકનિકલ ઓડિટમાં રાજ્યની ઇજનેરી કોલેજોના નિષ્ણાતોને પણ કેવી રીતે સમાવેશ કરી શકાય, તે ચકાસણી કરીને અહેવાલ રજૂ કરવા તેમણે વહીવટી પાંખને સૂચના આપી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એવા દિશા નિર્દેશો આપ્યા છે કે, કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની કામગીરી અંગે સતત રેકોર્ડ રાખવામાં આવશે તેમજ કામગીરીનો વાર્ષિક રિવ્યુ કરીને યોગ્ય કામગીરી ન થઇ હોય તેવા કિસ્સામાં નિયમાનુસારની કાર્યવાહી ઝડપથી, અસરકારક અને સમયસર હાથ ધરાશે.
માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય જોગવાઈઓમાં જે નોંધપાત્ર વધારો થયો છે તેનાં પરિણામે માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં પણ અત્યંત વધારો થયો છે અને બીજા વિભાગોની બાંધકામની જોગવાઈઓમાં પણ વધારો થયો હોવાનાં કારણે માર્ગ અને મકાન વિભાગની કામગીરી વધુ વ્યાપક સ્તરે વિસ્તરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળી રહ્યાં છે ત્યારે આ વિભાગની કામગીરી વધુ અસરકારક, ખાસ કરીને ગુણવત્તા નિયમન સાથે સમયબધ્ધ ધોરણે પૂર્ણ થાય તેવો અભિગમ તેમણે અપનાવ્યો છે.
તદઅનુસાર માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરોને સોંપેલ કામગીરી અસરકારક, સમયબધ્ધ અને ગુણવત્તાયુક્ત થઇ શકે તે માટે કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી (Rationalization of Region) ની જરૂરીયાત ધ્યાને લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.