Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૪ કલાકમાં મેઘરાજાના જોરમાં ઘટાડો થયો

અમદાવાદ, મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે શાંત પડ્યા છે, બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ ૨૪ કલાકમાં સૌથી વધુ ભાવનગરના સિંહોરમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. મંગળવારના સવારના ૬ વાગ્યાથી બુધવારના સવારના ૬ વાગ્યા સુધીમાં ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થયો છે. Normal rain in South Gujarat including Saurashtra in 24 hours

૧૪ જેટલા તાલુકામાં ૫૦mm કરતા વધારે વરસાદ થયો છે. રાજ્યમાં પાછલા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોર તાલુકામાં ૧૨૮mm (૫ ઈંચ) જ્યારે બીજા નંબરે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૧૦૦mm (૩.૯ ઈંચ) વરસાદ થયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના તાપીના વાલોડ (૮૭mm), વલસાડના કપરાડા (૮૦mm), છોટાઉદેપુરના બોડેલી (૭૨mm), સુરતના પલસાણા (૬૮mm) વરસાદ થયો છે.

જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગરના ઉમરાળા, તળાજામાં પણ હળવો વરસાદ નોંધાયો છે. તારીખ ૧૦મી જુલાઈએ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું હતું. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય તથા બહુ ઓછા ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

જેમાં દમણ, દાદરા નગર હવેલી, પાટણ, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગે તારીખ ૧૩થી ૧૭ દરમિયાન રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.