અજય પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI)ના પ્રમુખ તરીકે સાંભળ્યો પદભાર
Ø સમસ્યા આવે તે પહેલા સમાધાન વિચારે તેવું સક્ષમ નેતૃત્વ એટલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો. સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વરૂપે આપણી પાસે એક એવું નેતૃત્વ છે જે સમસ્યા આવે તે પહેલા સમાધાન વિચારે છે.
તેમણે કહ્યું કે સક્ષમ નેતૃત્વનું સૌથી વધુ ફાયદો ગુજરાતને મળ્યો છે જેનું તાજેતરનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નો અમેરિકા પ્રવાસ છે ભૂતકાળમાં અનેક વડાપ્રધાનો એ સેમીકંડકટર બનાવતી અમેરિકન કંપનીને ભારતમાં લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા માત્ર શ્રી નરેન્દ્રભાઈ ને જ સાંપડી. તેમણે ઉમેર્યું કે આ કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે જે ગુજરાતના સર્વાંગી વિકાસની સાબિતી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદની એક પ્રતિષ્ઠિત ક્લબ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોનો પદગ્રહણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે GCCIના નુતન લોગોનું અનાવરણ કર્યું હતું. ૧૯૪૯માં સ્થપાયેલી આ સંસ્થા ૭૩ વર્ષ પૂર્ણ કરી ચુકી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આજે તમામ ક્ષેત્રોમાં ગુજરાતે નોંધપાત્ર વિકાસ કર્યો છે. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા સહિત કેન્દ્ર સરકારના વિવિધ કાર્યક્રમોમાં ગુજરાતની સફળ ભાગીદારી રહી છે. ઉપરાંત તાજેતરમાં જાહેર થયેલા વર્ષ ૨૦૨૨ના એક રિપોર્ટ અનુસાર રોજગારી આપવામાં પણ ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે.
એપ્રિલ ૨૦૨૩માં થયેલા ૧.૮૭ લાખ કરોડના જીએસટી કલેક્શન વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે, આટલું વ્યાપક પ્રમાણમાં ટેક્સ કલેક્શન એ ધંધા રોજગાર અને અર્થતંત્રના સારા સમયની નિશાની છે. આજે ગુજરાતમાં રોડ રસ્તા, ૨૪ કલાક વીજ પુરવઠા સહિતની તમામ ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સુવિધાઓનું નિર્માણ શ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં થયું હતું અને એ જ ગુણવત્તા સાથે આજે તેની જાળવણી રાજ્ય સરકાર કરી રહી છે. એમ તેમણે ઉમેર્યું.
મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે, ધંધા રોજગારને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું તે રાજ્ય સરકારની જવાબદારી છે. અને તેના માટે અમારી સરકાર કટિબદ્ધ છે. આગામી સમયમાં સશક્ત ભારત બનાવવા માટે સશક્ત ગુજરાતનું નિર્માણ સહુ સાથે મળીને કરીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
૪ વર્ષ સુધી પ્રમુખ તરીકે કાર્યભાર સાંભળનાર શ્રી પથિક પટવારીએ પ્રસંગોચિત સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો ધ્યેય નાનામાં નાના સભ્યના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેમની ભાગીદારીને વધુ મજબૂતાઈ આપવાનો રહ્યો છે. તેમણે ઉમેર્યું કે મારા કાર્યકાળમાં નીતિવિષયક બાબતોમાં સતત મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળતું રહ્યું છે. આ ઉપરાંત બજેટ જેવી બાબતોમાં અમારો અભિપ્રાય મેળવીને ગુજરાતના વેપાર-ઉદ્યોગને મહત્વ આપ્યું છે. તે બદલ તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માન્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી સમયમાં ગુજરાતના ઉદ્યોગો રાષ્ટ્રના વિકાસમાં મહત્તમ ભૂમિકા ભજવે તેવો પ્રયાસ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કરશે.
આ ઉપરાંત નાના ઉદ્યોગોને તાલીમ આપીને તેમને સૌનો સાથ સૌનો વિકાસની તર્જ પર તૈયાર કરીશું. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાની સાથે વિદ્યાર્થીઓને બજારનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તેવા પ્રયાસ કરીશું. મેઇક ઇન ઇન્ડિયા જેવા અભિગમો સાથે ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં બ્રહ્મવિહારી સ્વામીજીએ જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે વિશ્વાસનું અદભુત વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. ૨૦૧૩માં યુએઈમાં સંવાદીતતાનો પાયો નંખાયો અને આજે તેના પર ત્યાનું પ્રથમ હિંદુ મંદિર નિર્માણ પામી રહ્યું છે. તેમણે કહ્યું કે, પ્રશ્ન પૂછનાર અને પ્રશ્ન ક્યારેય અસ્થાને હોતા નથી. તેમને હંમેશા સ્વીકારવા જોઈએ.
આજના સમારોહમાં ઉપસ્થિત ઝાયડ્સ કેડીલા ગ્રુપના ચેરમેન શ્રી પંકજ પટેલે પ્રસંગોચિત સંબોધનમાં જણાવ્યું હતું કે, ચેમ્બરે માત્ર સભ્યોનો નહીં પણ સમગ્ર સમાજનો વિચાર કરીને કાર્યરત રહેવાનું છે. તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને સંકલ્પપત્ર બનાવી તેને અમલી કરવાનું આહવાન કર્યું હતું.
આજના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી અમૂલભાઈ ભટ્ટ, પૂર્વ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.