Western Times News

Gujarati News

કુલ્લુ-મનાલીથી ટ્રેકિંગ માટે નીકળેલા ૧૪ જેટલા ગુજરાતી યુવાઓ સલામત

File

રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશોથી હિમાચલ પ્રદેશના રાહત સચિવનો સંપર્ક કરી આ યુવાનો સહિ સલામત હોવાની પુષ્ટિ મેળવી

હિમાચલ પ્રદેશમાં મનાલી-કુલ્લુથી મોટરસાયકલ દ્વારા ટ્રેકિંગ માટે નીકળેલા ૧૪ જેટલા ગુજરાતી યુવાનો સહિ સલામત છે.

ગુજરાતના રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું છે કે, ગુજરાતના આ યુવાઓ હિમાચલ પ્રદેશના કુલ્લુ – મનાલીના પ્રવાસ દરમિયાન મોટરસાયકલ દ્વારા  આગળ જવા ટ્રેકિંગ માટે નીકળેલા હતા.

તેમનો સંપર્ક પાછલા બે-ત્રણ દિવસથી કુલ્લુ મનાલીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને કારણે થઈ શક્તો ન હતો.

Shaktisinh Gohil એ કરી અપીલ ગુજરાતના 14 યુવાનો મનાલીથી ત્રિલોકનાથ સુધી બાઈક પર ટ્રેકિંગ માટે નીકળ્યા હતા. છેલ્લા 4 દિવસથી એક પણ યુવાનનો સંપર્ક થયો નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે પીએમ મોદી અને એનડીઆરએફને ઈમેલ કરીને રજૂઆત કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે રાજ્યના રાહત કમિશનર તંત્રને સાબદુ કરીને આ યુવાઓની ભાળ મેળવવા દિશા નિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે રાહત કમિશનર શ્રી આલોક પાંડે એ હિમાચલ પ્રદેશના  રાહત સચિવ શ્રી શર્મા સાથે ટેલિફોનિક સંપર્ક કરીને આ ૧૪ યુવાનોની સંપૂર્ણ વિગતો આપી તેમને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.

હિમાચલ પ્રદેશના રાહત સચિવે તેમના તંત્રને તત્કાલ યોગ્ય કાર્યવાહીની સૂચનાઓ આપી આ યુવાનોની ભાળ મેળવવા જણાવ્યું હતું. બુધવારે મોડી  સાંજે હિમાચલ પ્રદેશના રાહત સચિવ શ્રી શર્માએ ગુજરાતના રાહત કમિશનરનો પુનઃ સંપર્ક કરીને જણાવ્યું હતું કે, કુલ્લુમાં પાછલા દિવસોમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ  અને અંધારપટને કારણે આ યુવાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

તેમણે એમ પણ જણાવ્યું કે, હિમાચલ પ્રદેશના રાહત-બચાવ તંત્રને આ યુવાનો સલામત હોવાની વિગતો મળી છે. સ્થિતિ પૂર્વવત થવા લાગતા આ યુવાનોને બહાર લાવવાની વ્યવસ્થાઓ હાથ ધરાશે તેમ તેમણે કહ્યું હતું.

રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ આ ગુજરાતી યુવાનોને પરત લાવવાની વ્યવસ્થાઓ અસરગ્રસ્ત વિસ્તારમાંથી તેઓ બહાર આવી જાય તે પછી કરવામાં પણ હિમાચલ પ્રદેશ સરકાર મદદરૂપ થાય તેવી વિનંતી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.