એરપોર્ટ પર પ્રવાસીઓના સામાનની ચોરી અને દાણચોરીમાં સ્ટાફની સંડોવણીથી તંત્ર ચિંતિત
(એજન્સી)અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની માર્કેટમાં અંદાજિત કિંમત ૫૮ લાખ રૂપિયા આસપાસ છે. અધિકારીઓએ આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એરપોર્ટ સ્ટાફની આ હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે.
અત્યારે આમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાતમીના આધારે કાર્યવાહી કરીને, ડીઆરઆઈ અધિકારીઓ બુધવારે બે મુસાફરોને ફોલો કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અધિકારીઓને મોટી સફળતા મળી હતી. એટલું જ નહીં એરપોર્ટ સ્ટાફ કેવી રીતે ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલો છે એ પણ સામે આવી ગયું હતું. આ ઉપરાંત પ્રરવાસીઓના સામાનમાંથી કિંમતી વસ્તુઓની ચોરીની ઘટનામાં પણ સ્ટાફની સંડોવણીના અગાઉ ફરિયાદો ઉઠી હતી. વિવિધ કેસમાં સ્ટાફની શંકાસ્પદ ભૂમિકાને લઈ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે. તેમજ આવી ઘટનાઓ અટકાવવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ આવી એક ઘટના સામે આવી ચૂકી હતી. તેવામાં બુધવારે અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ત્યાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું.
બેંગકોકથી અમદાવાદ મુસાફરી કરી રહેલા ૨ પેસેન્જર પાસે ૫૮ લાખ રૂપિયાનું સોનું હોવાની બાતમી મળી હતી. ડીઆરઆઈની ટીમ સતત એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જરો પર નજર રાખીને બેઠી હતી. ત્યારે તેમની સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
બેંગકોક ફ્લાઈટ પર નજર રાખીને બેઠેલી અધિકારીઓની ટીમને એ ૨ શખસો મળી જ ગયા જેમની પાસે લગભગ ૧ કિલો આસપાસ સોનુ હતું. ઉલ્લેખનીય છે કે ઈમિગ્રેશન કાઉન્ટર પર પહોંચતા પહેલા આ ૨ શખસો જે છે તેઓ ટોઈલેટ બાજુ જતા રહ્યા હતા.
ડીઆરઆઈના અધિકારીઓની ટીમે પણ તેમનો પીછો કર્યો હતો અને અહીં જે જાેવા મળ્યું એનાથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. આ ૨ શખસો કે જે બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, તેમણે એરપોર્ટ સ્ટાફના જ શખસને આ ૫૮ લાખ રૂપિયાનું સોનુ આપ્યું હતું. ડીઆરઆઈની ટીમે ત્યારપછી આ એરપોર્ટ સ્ટાફના અધિકારી સામે બાજ નજર રાખી દીધી હતી. તે ક્યાં જાય છે અને શું કરે છે એની પળ પળની માહિતી તેમણે મેળવવાનું શરૂ કર્યું હતું.