આદિવાસી યુવાનોને રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અગ્નિવીર બનવા તાલીમ આપશે
આગામી તા. ૨૦ના ડભોઇ ખાતે પસંદગી પ્રક્રીયા, આદિવાસી યુવાનોને ૭૫ દિવસની તાલીમ નિઃશુલ્ક અપાશે
(માહિતી) વડોદરા, અગ્નિવીર યોજનાનો આદિવાસી યુવાનોને મહત્તમ લાભ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોમાં હવે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી પણ જાેડાઇ છે. રાજ્યના આદિવાસી યુવાનો માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા એક નિઃશુલ્ક નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ શિબિરમાં જાેડાવા ઇચ્છતા વડોદરા જિલ્લાના આદિવાસી યુવાનો માટે ચયનપ્રક્રીયાનું આયોજન આગામી તા. ૨૦ના રોજ ડભોઇ ખાતે કરવામાં આવ્યું છે. આદિવાસી યુવાનોએ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી જેવી પ્રિમિયર ઇન્સ્ટીટ્યુટમાં તાલીમની તક ચૂકવા જેવી નથી.
રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ દ્વારા પ્રાયોજિત આ તાલીમ શિબિરમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે અગ્નિવીર ભરતી પ્રક્રીયા માટે શારીરિક અને લેખિત પરીક્ષાની ૭૫ દિવસની તાલીમ આપવામાં આવશે.
આ ફ્રી નિવાસી તાલીમમાં લઘુત્તમ ધોરણ ૧૦ પાસ થયેલા અને ૧૬૨ સેન્ટીમિટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતા તેમજ તા. ૧ ફેબ્રુઆરી ૨૦૦૪ થી તા. ૧ ફેબ્રુઆરી ૨૦૦૭ વચ્ચે જન્મેલા અપરિણીત આદિજાતી પુરુષ ઉમેદવારો જાેડાઈ શકશે.
આ માટે આગામી તા. ૨૦ને ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યે ડભોઇ સ્થિત એમ. એમ. દયારામ શારદા મંદિર ખાતે સેમિનાર અને તાલીમ માટે યુવાનોની ચયન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ ધોરણ ૧૦ પાસ કર્યાની માર્કશીટ, અનુસૂચિત જનજાતિ અંગેનું મામલતદારનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઉપસ્થિત રહેવાનું છે.
શારીરિક ઉંચાઇ, છાતીનું માપ અને નિયત વજન ધરાવતા ઉમેદવારોની પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે અને બાદમાં તાલીમ માટે પસંદગી કરવામાં આવશે.
આ સેમિનાર સુચારૂ રીતે યોજાઇ તે માટે કલેક્ટરશ્રી અતુલ ગોરે એક બેઠક યોજી રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણ વિભાગને જરૂરી સૂચના આપી હતી. ફ્રી નિવાસી તાલીમ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીનો ફોન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક કરી શકાય છે.