૩૦થી વધુ પક્ષોનું NDAને સમર્થન હોવાનો દાવોઃ આજે શક્તિ પ્રદર્શન
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે એનડીએનું શક્તિ પ્રદર્શન-ભાવિ રણનીતિ ઘડાશે
નવી દિલ્હી, વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે વ્યૂહરચના ઘડવા માટે વિપક્ષી પાર્ટીઓ પટણા બાદ બેંગલુરુમાં બેઠક કરી રહી છે. બીજી તરફ ભાજપ પણ એનડીએની મદદથી પોતાની તાકાત બતાવવા જઈ રહી છે.
એનડીએની બેઠક ૧૮ જુલાઈએ સાંજે ૫ વાગ્યે દિલ્હીની અશોક હોટલમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપે અત્યાર સુધીમાં ૧૯ પાર્ટીઓને બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું છે. ૧૮ જુલાઈએ દિલ્હીમાં ભાજપ અને કર્ણાટકમાં વિપક્ષી પાર્ટીઓ પોતાની તાકાત બતાવશે. એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા તેમની સંખ્યા વધારવામાં વ્યસ્ત છે.
એનડીએએ મંગળવારે નવી દિલ્હીમાં બેઠકની જાહેરાત કરી છે. લગભગ ૩૦થી વધુ પક્ષો મહાગઠબંધનને સમર્થન આપે તેવી શક્યતા છે. તે જ સમયે, ૨૪ વિરોધ પક્ષો તેમના મતભેદોને દૂર કરવા અને પ્રસ્તાવ રજૂ કરવા માટે બેંગલુરુમાં બેઠક કરશે. સંસદના ચોમાસુ સત્ર પહેલા વિપક્ષી પાર્ટીઓએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએની બેઠકની અધ્યક્ષતા કરશે. ભાજપે ગઠબંધન ભાગીદારો, નવા સહયોગીઓ અને કેટલાંક ભૂતપૂર્વ સહયોગીઓને બેઠક માટે આમંત્રણ આપ્યું છે. એન ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી
અને બાદલ પરિવારની આગેવાની હેઠળની શિરોમણી અકાલી દળ એનડીએની આ બેઠકનો ભાગ નહીં હોય. સૂત્રોનું કહેવું છે કે ભાજપ આ પક્ષો સાથે ગઠબંધન નહીં કરે. તે પંજાબમાં એકલા જવાની અને આંધ્ર પ્રદેશમાં પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે જાેડાણ કરવાની યોજના બનાવી રહી છે.
એનડીએ ગઠબંધનમાં હાલમાં ૨૪ પક્ષ છે, જેમાં બીજેપી, એઆઈએડીએમકે, શિવસેના (એકનાથ શિંદે જૂથ), એનપીપી , આરડીપીપી(રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી), એસસીએમ (સિક્કિમ ક્રાંતિકારી મોરચા), જેજેપી (જનનાયક જનતા પાર્ટી) આઈએમકેએમકે (ભારત મક્કલ કાલવી મુનેત્ર કઝગમ) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ઓઝેડએસયુ (ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન), આરપીઆઈ (રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા), એમએનએફ (મિઝો નેશનલ ફ્રન્ટ), ટીએમસી (તમિલ મનીલા કોંગ્રેસ), આઈપીએફટી (ત્રિપુરા), બીપીપી (બોડો પીપલ્સ પાર્ટી), પીએમસી (પાટલી મક્કલ કાચી),
એમજીપી (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી), અપના દળ, એજીપી (આસામ ગણ પરિષદ), રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, નિષાદ પાર્ટી, પીપીએલ (યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ), એઆઈઆરએનસી (ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પુડુચેરી), શિરોમણી અકાલી દળ યુનાઇટેડ (ધીંડસા) અને જનસેના (પવન કલ્યાણ) પક્ષનું નામ સામેલ છે.