અમદાવાદ મ્યુનિ. એસ્ટેટ વિભાગ 21 લાખ કમાવવા 300 કરોડનું આંધણ કરશે
સિંઘુભવન મલ્ટી લેવલ પાર્કિંગની બાજુમાં ઓન રોડ પાર્કિંગ માટે ટેન્ડર જાહેર કર્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી કરવા માટે બહુમાળી પાર્કિંગ કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહયા છે જે વિસ્તારમાં આ પ્રકારના પાર્કિંગ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારમાં રિઝર્વ પ્લોટ અથવા ઓન રોડ પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે
પરંતુ મ્યુનિ. ઉ.પ.ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ખાતર ઉપર દિવેલ કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝોનના સિંધુભવન રોડ પર રૂા.૩૦૦ કરોડના ખર્ચથી મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યુ હોવા છતાં તેની બાજુમાં જ ઓનરોડ પાર્કિંગ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે
આમ મ્યુનિ. એસ્ટેટ વિભાગના અધિકારીઓએ માત્ર રૂા.ર૧ લાખ કમાવવા માટે રૂા.૩૦૦ કરોડનું આંધણ કરવા તૈયાર થયા છે જે બાબત મ્યુનિ. ભવનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક તરફ સિંધુભવન રોડ પર રૂ. કરોડના ખર્ચે લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સૌથી વધારે કોમર્શિયલ મિલકતો હોવાથી ભવિષ્યમાં પાર્કિંગની સમસ્યાને લઈ સિંધુભવન રોડ ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા માટેનો ર્નિણય લેવાયો હતો.
શહેરના પોશ એરિયા સિંધુભવન રોડ પર બનાવવામાં આવેલા આ મલ્ટીલેવલ પાર્કિંગના માટે બાંધકામ ખર્ચ રૂપિયા ૯૬.૬૪ કરોડ થયો છે. જગ્યાની જમીન અને બાંધકામની મળીને કુલ કિંમત રૂપિયા ૩૧૫.૨૦ કરોડ જેટલી રકમનો ખર્ચ થયો છે. તેમ છતાં એસ્ટેટ વિભાગ ઘ્વારા ઓનસ્ટ્રીટ પાર્કિગ માટે ર્નિણય લેવામાં આવ્યો છે.
જાે આ વિસ્તારમાં ઓનસ્ટ્રીટ પાર્કિંગ શરૂ કરવામાં આવશે તો મલ્ટીલેવલ પાર્કિગમાં કોઈ વાહન પાર્ક કરવા જશે નહિ તે બાબત નિશ્ચિત છે. મલ્ટીલેવલ પાર્કિગમાં ૩૯૧ ગાડીઓ અને ૯૦૦ જેટલા ટૂ વહીલર પાર્ક થઈ શકે તેવું બનાવવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમના એસ્ટેટ વિભાગ દ્વારા સિંધુભવન રોડ ઉપર ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટેના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે.
સિંધુ ભવનના બંને તરફના રોડ ઉપર ઓન સ્ટ્રીટ વાહન પાર્કિંગ કરવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવશે. જેના માટે વાર્ષિક રૂ. ૨૧. ૩૦ લાખ રૂપિયા અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. સિંધુભવન રોડ ઉપર બંને તરફ કુલ ૧૦૮ જેટલા ટુ વહીલર અને ૪૨૮ જેટલી ગાડીઓ પાર્ક કરી શકાશે.
ટુ વ્હીલર માટે પ્રથમ બે કલાકના ૫ રૂપિયા અને ફોર વ્હીલર માટે ૧૫ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. પાર્કિંગ માટેની જગ્યામાં ૪૦ ટકા જગ્યા પાર્કિંગ અનામત માટે રાખવાની રહેશે. જેમાં જાે કોઈ વ્યક્તિ દ્વારા પાર્કિંગ પરમીટ માંગવામાં આવે તો તેને માસિક , ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક દરથી આપવામાં આવશે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી મુકેશ પટેલના જણાવ્યા મુજબ સિંધુભવન રોડ ઉપર પાર્કિંગ માટે હવે ચાર્જ લેવાનો ર્નિણય કરાયો છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જાે સિંધુભવન રોડ ઉપર હવે ક્યાંય પણ વાહન ઊભું રાખવામાં આવશે, પાર્ક કરી અને અંદર બેઠા હશો અથવા બહાર ઊભા હશો તો પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવાનો રહેશે.
સિંધુભવન રોડ ઉપર રાત્રિના સમયે કેટલાક લોકો વાહન પાર્ક કરીને બેઠા હોય છે. જેના કારણે ટ્રાફિક થતો હોય છે. જેને નિવારવા માટે હવે આ પાર્કિંગ ચાર્જ લેવાનો ર્નિણય કરાયો છે.