ઘરમાં ચાલુ પંખા સાથે છત પડતા માતા-દીકરીનું મોત
હિંમતનગર, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં સોમવારે રાત્રિ દરમિયાન ઘરમાં સૂઈ રહેલાં માતા-પુત્રી પર ચાલુ પંખો અચાનક પડ્યો હતો અને સાથે છત પણ પડી હતી. જેમાં માતા-પુત્રીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮માં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતાં અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મંગળવારે સવારે સિવિલમાં પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોધ્યો હતો. ઘટનાસ્થળે એફએસએલ અધિકારી સાથે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં મુસ્તુફા મસ્જિદ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી સામે રહેતા માતા મુમતાઝબાનુ અને દીકરી બુસરાબીબી અને પુત્ર મતીન ત્રણ રહે છે. સોમવારે રાત્રે મુમતાઝબાનુ અને તેમની પુત્રી બુસરાબીબી પંખો ચાલુ કરીને ઘરમાં સૂઈ રહ્યાં હતાં.
તે દરમિયાન રાત્રીના ૧૧ વાગ્યાના સમયે અચાનક ચાલુ પંખો અને છત એકસાથે માતા-પુત્રી પર પડ્યાં હતાં. જેને લઈને બૂમાબૂમ થઇ ગઈ હતી અને ત્યારબાદ આજુબાજુના પડોશીઓ અને તેમના સંબંધીઓ દોડી આવ્યા હતા.
તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને કાટમાળ નીચેથી કાઢીને ૧૦૮માં સારવાર અર્થે નજીકની ફાતેમા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લઇ ગયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતાં.