ભારે વરસાદ પડવા છતાં શાળા ચાલુ રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દમણમાં વિતેલા ૨૪ કલાકમાં ૯.૫ ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણીપાણી થઇ જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી. મળસ્કે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ ૮.૫ ઈંચ જેટલો ભારે વરસાદ પડતા જનજીવન પર ભારે અસર થઇ હતી. આજે સવારે ૨૪ કલાક સુધીમાં દમણમાં ૯.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
૨૪ કલાકમાં માત્ર આજે મળસ્કે ચારથી સવારે આઠ વાગ્યા સુધીમાં જ ૮.૫ ઈંચ વરસાદ ઝીંકાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં નિંચાણવાળા ભાગોમાં પાણી ઘુસી જતા આ વિસ્તાર તળાવ રૂપાંતરિત થઇ ગયો હતો. આ ઉપરાંત પટલારા ગામે ખાડી ઉભરાતા પાણી રોડ પર ફરી વળ્યું હતું. જ્યારે દાદરાનગર હવેલીમાં ૩ ઈંચ વરસાદ પડ્યો હતો. ચોમાસાની મૌસમ દરમિયાન અત્યાર સુધીમાં દમણમાં ૪૯ ઈંચ અને દા.ન.હવેલીમાં ૪૭ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.
વાપી શહેરમાં જળબંબાકારની સ્થિત ઉભી થતા જનજીવન પ્રભાવિત થયું હતું. મળસ્કે ૪થી ૮ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જ ૧૫૦ મીમી (૬ ઈંચ) વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગઇકાલે મંગળવારે સાંજે ૪ વાગ્યાથી આજે બુધવારે સવારે ૮ વાગ્યા સુધીનાં ૧૬ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨.૫ ઈચ વરસાદ નોંધાયો હતો.
જિલ્લાના વાપી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું. વાપીમાં ૧૬ કલાકમાં ૭ ઈચ વરસાદ ઝીંકાયો હતો. મુશળધાર વરસાદને કારણે ચોમાસાની મોસમમાં પહેલીવાર નવા અન્ડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. સાથે જુનું રેલવે ગરનાળુ પણ પાણીથી ભરાય ગયું હતું.
આ ઉપરાંત વાપી ટાઉનમાં મુખ્ય બજાર, જૈન મંદિર, ચલા સ્વામિનારાયણ રોડ, ગીતાનગર રોડ, ગુંજન ચારરસ્તા વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક માર્ગ પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા ભારે મુશ્કેલીમાં ઉભી થઇ હતી. ભારે વરસાદ પડવા છતાં શાળા ચાલું રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.