Western Times News

Gujarati News

ટ્રેકટરની ખરીદી માટે 85 હજાર જેટલા ખેડૂતોને રૂ. ૫૬૪ કરોડથી વધુની સહાય મંજૂર

ટ્રેક્ટર ખરીદી માટે ૫૨,૫૧૬ ખેડૂતોને રૂ.૩૧૫ કરોડ અને ખેત ઓજારોની ખરીદી માટે ૩૨,૪૯૪ ખેડૂતોને રૂ.૨૪૯ કરોડની સહાય: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ચાલુ વર્ષના બજેટમાં ધરતીપુત્રો માટે સર્વોચ્ચ વધારો; ટ્રેકટર ખરીદી માટે રૂ.૩૭૫ કરોડ અને અન્ય ખેત ઓજારો માટે રૂ.૨૪૦ કરોડની જોગવાઈ

ગત પાંચ વર્ષમાં ટ્રેકટર માટે ૧.૯૨ લાખ લાભાર્થીને રૂ.૯૧૨ કરોડ તેમજ ખેત ઓજારો માટે ૧.૨૮ લાખ ખેડૂતોને રૂ.૪૦૯ કરોડની સહાય મળી

ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ છે. આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનનોનું સ્થાન ટ્રેક્ટર, રોટાવેટર જેવા અદ્યતન મશીનરીએ લીધું છે.

માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની ખરીદી કરી શકતો નથી. જે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતલક્ષી સહાયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યારસુધીનો સર્વોચ્ચ વધારો કરી ટ્રેક્ટરની ખરીદી માટે અપાતી સહાયના માટે ૬૨,૫૦૦ ખેડૂતોને રૂ. ૩૭૫ કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે,

જે ગત વર્ષના બજેટની સરખામણીએ ૨૩૭ ટકા જેટલી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં રૂ. ૨૪૦ કરોડની જોગવાઈ મંજૂર કરાઈ છે, જે ગત વર્ષના બજેટની સાપેક્ષે ૩૫૧ ટકા જેટલી છે.

કૃષિ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે બજેટમાં મંજૂર કરાયેલી જોગવાઈ અનુસાર કામગીરી પૂર્ણ કરવા માટે કૃષિ વિભાગને અત્યાર સુધીમાં ટ્રેક્ટર ખરીદી સહાય માટે ૬૨,૫૦૦ના લક્ષ્યાંક સામે ૫૯,૮૨૮ અરજીઓ મળી હતી, જેની પૂર્તતા કર્યા બાદ કૃષિ વિભાગ દ્વારા ૫૨,૫૧૬ ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ. ૩૧૫.૦૯ કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે.

આ ઉપરાંત વિવિધ ખેત ઓજારો માટે પણ જોગવાઈ મુજબ કામગીરી પૂર્ણ કરવા મળેલી ૩૩,૭૧૩ અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા ૩૨,૪૯૪ ખેડૂતોને ખેત ઓજારો ખરીદી માટે રૂ. ૨૪૯ કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, બંને ઘટકને મળી રાજ્યના કુલ ૮૫ હજાર જેટલા ખેડૂતોને કુલ રૂ. ૫૬૪ કરોડથી વધુની સહાય માટે પૂર્વ મંજૂરી અપાઈ છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેકટર ખરીદીમાં સહાય માટે કુલ ૧,૯૨,૭૮૫ જેટલા લાભાર્થીને રૂ. ૯૧૨.૫૦ કરોડની સહાય આપવામાં આવી છે. ખેતી માટે વપરાતા વિવિધ ખેત ઓજારો માટે પણ છેલ્લા પાંચ વર્ષમાં ૧,૨૮,૧૪૧ ધરતીપુત્રોને રૂ. ૪૦૯.૫૨ કરોડની સહાય આપવામાં આવી છે.

અગાઉના વર્ષોમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર અને વિવધ ખેત ઓજારોમાં સહાય માટે ઓનલાઈન અરજીઓ મળતી હતી જેની સામે સહાય માટે મંજૂર બજેટ મુજબ ટ્રેક્ટર માટે ૬૫ થી ૭૦ ટકા ખેડૂતોને ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી. જ્યારે વિવિધ ખેત ઓજારો માટે ૧૫ થી ૨૦ ટકા ખેડૂતોને જ ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.