NDAની 38 પાર્ટીઓમાંથી 24 પાર્ટીઓ પાસે એક પણ સાંસદ નથી
૭ પાર્ટીઓ પાસે ફક્ત ૧ સાંસદ છે
નવીદિલ્હી, લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં તમામ નાના-મોટા પક્ષોને એક સાથે લાવીને ભાજપને આકરી ટક્કર આપવા માંગે છે. ૧૮ જુલાઈએ બેંગલુરુમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કુલ ૨૬ પાર્ટીઓએ ભાગ લીધો હતો.
આ સાથે જ ભાજપે દિલ્હીમાં એનડીએની બેઠક પણ બોલાવી હતી. આ બેઠકમાં ૩૮ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ ૩૮ પક્ષોની બેઠક બોલાવીને વિપક્ષી ગઠબંધન કરતા પોતાના ગઠબંધનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસે એનડીએની બેઠકમાં બોલાવવામાં આવેલી પાર્ટીઓ પર કટાક્ષ કરતા પૂછ્યું કે શું આ તમામ પાર્ટીઓ રજિસ્ટર્ડ થઈ છે કે નહીં? વાસ્તવમાં એનડીએના મોટા ભાગના પક્ષો પાસે લોકસભાની એક પણ બેઠક નથી.મંગળવારે વિપક્ષી દળે બેંગલુરુમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ૨૬ રાજકીય પક્ષો હાજર રહ્યા હતા.
વિપક્ષી પાર્ટીએ પોતાના ગઠબંધનનું નામ INDIA રાખ્યું છે. વિપક્ષી ગઠબંધન એક બેઠક-એક ઉમેદવારના સમીકરણ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ ભાજપ પણ પોતાના ગઠબંધનને વિપક્ષ કરતા મોટું દેખાડવા માટે એનડીએ ગઠબંધનના તમામ સાથી પક્ષોને એક સાથે લાવીને વિપક્ષને મજબૂત ટક્કર આપવા માંગે છે.
એનડીએ ગઠબંધનમાં કુલ ૩૮ પક્ષો છે પરંતુ મોટા ભાગના પક્ષોની ન તો કોઈ પકડ છે કે ન તો રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ ઓળખ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સિવાય અન્ય ૩૭ પાર્ટીઓનો વોટ શેર માત્ર ૭ ટકા હતો. આ ૩૭ પાર્ટીઓએ મળીને માત્ર ૨૯ લોકસભા સીટ જીતી હતી.
જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો તેણે એકલાએ જ ૩૦૩ બેઠકો જીતી હતી. બીજેપીનો વોટશેર ૩૭ ટકાથી વધારે હતો. ભાજપનો વોટ શેર ૨૦૧૯ ટકાથી વધુ હતો. તમને જણાવી દઈએ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૭ માંથી ૯ પક્ષોએ તેમના ઉમેદવારો પણ ઉભા રાખ્યા ન હતા.
જ્યારે ૧૬ પાર્ટીઓ પાસે એક પણ સાંસદ નથી. એટલે કે 37 માંથી 24 પક્ષો પાસે કોઈ સાંસદ પણ નથી અને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ પ્રતિનિધિત્વ પણ નથી. એનડીએ ગઠબંધનની ૭ પાર્ટીઓ પાસે માત્ર એક જ સાંસદ છે. શિવસેના (એકનાથ શિંદે જૂથ) ૧૩ સાંસદો સાથે એનડીએની સૌથી મોટી સહયોગી પાર્ટી છે. એલજેપી છ સાંસદો સાથે બીજા ક્રમનો સૌથી મોટો સાથી પક્ષ છે. ઉત્તર પ્રદેશમાં અપના દલના બે સાંસદ છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની ૭ પાર્ટીઓને માત્ર એક-એક બેઠક મળી હતી. આ પાર્ટીઓમાં મેઘાલયમાં એનપીપી, તમિલનાડુમાં એઆઈએડીએમકે, સિક્કિમમાં એસકેએમ, નાગાલેન્ડમાં એનપીએફ, ઝારખંડમાં એજેએસયુ, મિઝોરમમાં એમએનએફ સામેલ છે. દક્ષિણ ભારતમાં ભાજપ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યું છે.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આશા છે કે એઆઈએડીએમકે એનડીએ ગઠબંધનને વધુ સીટો જીતાડી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશમાં ટીઆરએસ સાથે ગઠબંધન કરીને ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરશે. ભાજપ નાના પક્ષો પર મોટો દાવ લગાવી રહ્યું છે તેનું પહેલું કારણ એ છે કે ભાજપ નંબર ગેમમાં પાછળ રહેવા માંગતો નથી.
તે વિપક્ષના ૨૬ દળોના એકસાથે આવવાના દાવાને પોતાના ૩૮ ગઠબંધનના સહયોગીઓ સાથે આવીને વિપક્ષના દાવાને નાનો બનાવવા માંગે છે. બાકીની નાની પાર્ટીઓ તે તમામ બેઠકો પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે જ્યાં જીત અને હારનું અંતર ખૂબ જ ઓછું હતું. સાથે જ જિલ્લા સ્તરે ભાજપને જીતાડવામાં આ નાની પાર્ટીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.