DPS : મંજુલા અને હિતેન વસંતની ધરપકડ ટળી
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ડીપીએસ ઈસ્ટના મંજુલા પૂજા શ્રોફ, અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતએ કરેલી આગોતરા અરજીની આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બચાવ પક્ષના વકીલે વચગાળાની રાહત મુદ્દે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને રજૂ કર્યું હતું અને વચગાળાની રાહત માંગી હતી,
જેને ધ્યાનમાં લઇ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ડીપીએસના મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆની ધરપકડ સામે તા.૬ઠ્ઠી ડિેસેમ્બર સુધી વચગાળાનો સ્ટે ફરમાવ્યો હતો અને આરોપીઓને વચગાળાની રાહત આપી હતી. બીજીબાજુ, સરકાર તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરાઈ હતી. સરકારપક્ષની માંગણીને ધ્યાનમાં લઇને કોર્ટે કેસની વધુ સનાવણી તા.૬ઠ્ઠી ડિસેમ્બરે મુકરર કરી હતી.
ચકચારભર્યા નિત્યાનંદ આશ્રમના કેસ વિવાદમાં હાથીજણ પાસે હીરાપુર ખાતેની ડીપીએસના સીઇઓ અને પૂર્વ ટ્રસ્ટી મંજૂલા શ્રોફ અને હિતને વસંત દ્વારા પોતાની સંભવિત ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી આજે હાથ ધરાઇ હતી. આરોપીપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ.વી.રાજુ અને એડવોકેટ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અરજદાર આરોપીઓ વિરૂદ્ધ પ્રથમદર્શનીય કોઇ કેસ બનતો નથી. અરજદારોની આ કેસમાં ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે.
આરોપીપક્ષ તરફથી સુપ્રીમકોર્ટનું મહત્વનું એક જજમેન્ટ રજૂ કરી ધરપકડ સામે રાહત માંગતાં જણાવ્યું કે, અદાલતને નોટિસના સ્ટેજ પર વચગાળાની રાહત આપવાની સત્તા અને અધિકાર છે. વચગાળાની રાહત પર પ્રતિબંધ હોય તો જ તે ના આપી શકાય અન્ય કોર્ટ આવી રાહત આપી શકે છે.
સરકારપક્ષ તરફથી એવો વિરોધ કરાયો હતો કે, વચગાળાની રાહત મુદ્ે સુધારો હજુ અમલમાં આવ્યો નથી, જેના જવાબમાં આરોપીપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ.વી.રાજુએ જણાવ્યું કે, ભરણપોષણના કેસમાં વચગાળાનો સુધારો અમલમાં નહી આવ્યો હોવાછતાં સુપ્રીમકોર્ટે સંબંધિત કેસમાં રાહત આપી જ છે
ત્યારે પ્રસ્તુત કેસમાં પણ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાને ધ્યાનમાં લઇ કોર્ટે અરજદારોને પોલીસ ધરપકડ સામે રક્ષણની વચગાળાની રાહત આપવી જાઇએ અને તેમની આગોતરા જામીન અરજી મંજૂર કરવી જાઇએ. જા કે, સરકારપક્ષ તરફથી સુપ્રીમકોર્ટના જજમેન્ટ સહિતના અન્ય મુદ્દાઓ રિફર કરવા તેમ જ પોતાનો પક્ષ રાખવા માટે સમયની માંગણી કરવામાં આવી હતી, જેને પગલે કોર્ટે સરકારપક્ષ તરફથી જવાબી સોગંદનામું રજૂ થાય
ત્યાં સુધી તા.૬ઠ્ઠી ડિસેમ્બર સુધી અરજદારોને વચગાળાની રાહત આપી હતી અને ત્યાં સુધી તેમની ધરપકડ સામે સ્ટે જારી કર્યો હતો. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ મુકરર કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સીબીએસઈ બોર્ડે ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ કરી છે. તેમજ ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાના આરોપસર ડીપીએસ ઈસ્ટના સીઈઓ મંજુલા શ્રોફ, ટ્રસ્ટી હિતેન વસંત અને અનિતા દુઆ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેને પગલે ઉપરોકત અરજદારોએ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી અને તેમાં વચગાળાની રાહત માંગી હતી.