લો બોલોઃ મોબાઇલની ચોરી કરતી ગેંગ ફ્લાઇટમાં અમદાવાદ આવે છે
અમદાવાદ, મોબાઈલ ચોરી કરતી ગેંગને કાલુપુર પોલીસે ઝડપી પાડી છે. પોલીસ કસ્ટડીમાં આવેલ બંને શખ્સના નામ રોહિત કુમાર મહતો અને વિષ્ણુ મહતો છે. મોબાઇલ ચોરીના માસ્ટર ગણાતા આ બંને લોકોને કાલુપુર પોલીસે રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા છે.
બંને શખ્સ શહેર છોડી દેવાની ફિરાકમાં હતા, જ્યાં તેમને કાલુપુર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ પ્લેનમાં અમદાવાદ સહિત દેશભરમાં જતાં હતા અને મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા.
બંને શખ્શો પ્લેનમાં આવી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને બેગ્લોરનાં સ્ટેડિયમમાં જતાં અને થોડીક જ મિનિટોમાં મોબાઈલ ચોરી કરીને રવાના થઈ જતાં હતા. આરોપીઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સ્ટેડિયમ જેવી ભીડભાડ વાળી જગ્યા પસંદ કરીને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે વિવિધ કંપનીનાં ૯.૧૩ લાખના મોબાઈલ જપ્ત કર્યા છે. આઇફોન ચોરી અને તેના વેચાણમાં સમગ્ર ગેંગની માસ્ટરી હોવાનું સામે આવ્યું છે.
આઇફોનમાં આઇડી આવતું હોવાથી જેનો પણ ફોન ચોરી કરતા તેનો નંબર મેળવીને તેને ફોન કરીને કંપનીમાંથી વાત કરી રહ્યાંનું કહી આઇડી પાસવર્ડ મેળવી ફોન રીસેટ કરીને વેચતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને લોકો ૬૦ ફોન ચોરીનો ટાર્ગેટ રાખતા હતા
અને ૧૦ દિવસ અગાઉ જ અમદાવાદ આવ્યા હતા અને ૪૭ જેટલા ફોન ચોરીને ભાગવાની ફિરાકમાં હતા. આ બંને શખ્શોએ અમદાવાદ, મેહસાણા, વડોદરા, કલોલ, પાટણ, સહિતના શેહરોમાં જઈને ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીના ફોન તેઓ એજન્ટ મારફતે વેસ્ટ બંગાળ અને ત્યારબાદ બાંગ્લાદેશમાં ફોન વેચતા હતા.
મોબાઈલ ચોરી ગેંગમાં ચાર લોકો સામેલ છે જેમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે પપ્પુ મહંતો, અને રાહુલ મહંતો હજુ પણ પોલીસ ગીરફ્ટથી દૂર છે. આ મામલે સમગ્ર મોબાઈલ ચોરી ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલા ફોન ચોર્યા અને હજુ કેટલા શખ્શો તેમની સાથે સંકડયેલ છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.