નશામાં ધૂત કારચાલકે બાઈકચાલકોને 20 ફૂટ ઢસડ્યા
(જૂઓ વિડીયો) સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે BRTS રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા.
રાજકોટ, સુરતમાં મધરાત્રે બેફામ ઝડપે કાર ચલાવીને સાજન પટેલ નામના યુવકે ત્રણ બાઈકસવાર સહિત છ લોકોને ઉડાવ્યા હતા. તમામને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા લોકોએ કારચાલકની ધોલાઈ કરી હતી અને ‘તથ્ય પટેલનો જ ભાઈ છે’ તેમ કહીને પોલીસને સોંપ્યો હતો.
ગુજરાત પોલીસ, તમને દંડ વસૂવલા નોકરિયાત વર્ગ દેખાય છે, તો દારૂ પીને નીકળતા નબીરા કેમ નથી દેખાતા… #Surat #accident #roadaccident #drunkanddrive #cctv #ZEE24kalak #Gujarat@GujaratPolice @sanghaviharsh @CP_SuratCity pic.twitter.com/0Q7F9yx9wV
— Zee 24 Kalak (@Zee24Kalak) July 31, 2023
સુરતના ઉત્રાણમાં રહેતો સાજન પટેલ નામનો 27 વર્ષિય યુવક બર્થડે પાર્ટીમાંથી દારૂ પીને જીજે-05-આરઆર 9995 નંબરની કારમાં બેફામ ઝડપે નિકળ્યો હતો ત્યારે દારૂના નશામાં કાપોદ્રામાં અકસ્માત સર્જયો હતો.
કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઈકો અડફેટે લીધા હતા.
બીઆરટીએસ રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇકસવાર લોકો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થવા છતાં કાર ઉભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.
કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી.
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો. અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે કારચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. લોકોના જણાવ્યા પ્રમાણે કારચાલક દારૂના નશામાં હતો. જેથી લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કારચાલકને માર માર્યો હતો.