અમદાવાદમાં અનેક દર્દીઓને આંખોમાં લાલ ડાઘ- રક્તવાહિનીઓ ફાટી જવાની સમસ્યા
શહેરમા કન્જક્ટિવાઈટિસનો ભયાનક ફેલાવો ઃ પ૦માંથી ૧૦ જેટલા દર્દી હેમરેજિક આઈ ફ્લૂથી પીડિત
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં કન્જક્ટિવાઈટિસના કેસ છેલ્લા એક માસથી ખૂબજ ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓ આંખમાં થતી પીડાથી ત્રાહિમામ પોકારી ગયા છે. સિવિલની ઓપીડીમાં રોજના સેંકડો કન્જક્ટિવાઈટિસના દર્દીઓ આવી રહ્યા છે Many patients in Ahmedabad suffer from red spots in the eyes – the problem of rupture of blood vessels
ત્યારે હવે શહેરમાં કન્જક્ટિવાઈટિસે નવું સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. કન્જક્ટિવાઈટિસ હવે વધુ ઉગ્ર બન્યો છે, જેને ડોકટરો દ્વારા હેમરેજિક આઈ ફ્લૂ કહેવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે કન્જક્ટિવાઈટિસથી પીડિત દર્દીઓને ચારથી પાંચ દિવસમાં સારું થઈ જાય છે, જાેકે ઘણા કેસમાં સાજા થવામાં ૧૦ થી ૧પ દિવસનો સમય પણ લાગે છે, જેમાં આંખોના એક ખૂણા કે એક ભાગમાં લાલ નિશાન રહે છે. ડોકટરોનું કહેવું છે કે પ૦માંથી ૧૦ દર્દીઓ આ સમસ્યા સાથે આવી રહ્યા છે. રોજ આવા ૩૦૦થી ૪૦૦ કેસ ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે.
ડોકટરોના મતે આ સમસ્યાથી ડરવાની જરૂર નથી, કારણ કે તે ૧૦ થી ૧પ દિવસમાં ઠીક થઈ જાય છે. માત્ર સાવચેત રહેવાની જરૂર છે. આ વખતે હેમરેજિક કન્જક્ટિવાઈટિસ એન્ટેરો વાઈરસના કારણે થઈ રહ્યો છે.
આંખના રોગોના સ્પેશિયાલિસ્ટ ડો. સોનાલી શાહે જણાવ્યું હતું કે આમાં ગભરાવાની જરૂર નથી. સમયસર ડોકટરના સંપર્ક ઈલાજથી જલદી રિકવરી લાવી શકાય છે. આંખના ભાગે લોહી જમા થાય છે. આંખોને વધુ પડતી ઘસવાથી રકતસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે.
આંખોમાં આ ઈન્ફેકશન વરસાદમાં ઉત્પન્ન થતા બેકટેરિયા અને વાઈરસના કારણે થઈ શકે છે. આ ઋતુમાં ગંદકી અને ભેજના કારણે બેકટેરિયા આંખોમાં પહોચી જાય છે અને તેને અસર કરે છે. આ ચેપ ઝડપથી ફેલાય છે. આંખો લાલ થવાની સાથે તેમાં પાણી આવવા લાગે છે દુખાવા અને સોજાની સમસ્યા થાય છે તે એકથી બીજામાં ફેલાઈ શકે છે.
વારંવાર સાબુ-પાણીથી હાથ ધોવા જાેઈએ, હાથને સ્વચ્છ રાખો. ઓછામાં ઓછી ર૦ સેકન્ડ માટે સાબુ અને પાણીથી નિયમિત તમારા હાથ ધોવા. જયાં સુધી તમે તમારા હાથ ન ધોઈ લો ત્યાં સુધી આંખોને સ્પર્શ અથવા ઘસવાનું ટાળો, ટુવાલ, મેકઅપના સાધનો, કસરતના સાધનો અથવા અન્ય રીતે શેર કરેલી વસ્તુઓ જેને ચેપ હોય એવી વ્યક્તિ સાથે શેર કરવી નહી,
ખાસ તો લિપસ્ટિક, કાજલ વગેરે નિયમિત ચશ્મા સાફ કરો. જાે આંખમાં ચેપ હોય તો કોન્ટેકટ લેન્સ ન પહેરવા ચેપ દૂર થઈ જાય પછી બેડશીટ, ટુવાલ સહિતની તમામ ચીજવસ્તુઓને ધોઈ લો. ડોકટર પાસે આંખની તપાસ કરાવો. ડોકટરની સલાહ મુજબ જ આંખમાં ટીપાં નાખવાનું અને દવા લેવાનો આગ્રહ રાખો. જાતે કોઈ પણ પ્રકારના આઈ ડ્રોપ કે દવા લેવી નહી.