Western Times News

Gujarati News

છેલ્લા ૯ વર્ષમાં 2619 કરોડના ખર્ચે જળ વ્યવસ્થાપનના કાર્યો હાથ ધરાયાં

Files Photo

જીયૂડીસી અંતર્ગત રાજ્યમાં રૂ.૨૩૨૩.૬૩ કરોડના વિકાસ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ-રાજ્યના ૫૯ શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના કાર્યો પ્રગતિ હેઠળ

રાજ્ય સરકારની શહેરોના વિકાસ માટેની મહત્વની યોજના ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’દ્વારા રાજ્યના નાના-મોટા શહેરોમાં જનસુવિધાના અનેકવિધ કાર્યો ચાલી રહ્યા છે કે જે અંતર્ગત છેલ્લા ૯ વર્ષોમાં ૨૬૧૯.૧૮ કરોડના ખર્ચે જળ વ્યવસ્થાપનના કામ શરૂ કરાયા હતા. તેમાંના ૨૩૨૩.૬૩ કરોડના કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે ૨૯૫.૫૫ કરોડના કામ હાલ પ્રગતિ હેઠળ છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અમલીકરણથી શહેરી ક્ષેત્રે ભૂગર્ભ ગટરો,પાણી પુરવઠા યોજનાઓ સહિત અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેનાથી જન સુખાકારીની અનેક સગવડો ઊભી થઈ છે.આ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયૂડીસી) કાર્ય કરી રહી છે.

જીયૂડીસી દ્વારા મુખ્યત્વે રાજ્યના નાના શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા છે. જીયૂડીસીએ આ યોજના હેઠળ છેલ્લા ૯ વર્ષોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી), પાણી પુરવઠા યોજના તથા ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ વિકાસ કાર્યો હાથ ધર્યા છે. આ ત્રણેય યોજનાઓ સરવાળે ૮૦ જેટલા શહેરોમાં લાગુ કરવામાં આવી છે. જોકે ત્રણેય યોજનાઓના કુલ લાભાર્થી શહેરોનો સરેરાશ આંક ૫૯ થાય છે, કારણ કે એક જ શહેરમાં એક કે બે અથવા ત્રણેય યોજનાઓ હેઠળ કાર્યો ચાલી રહ્યા છે.

જીયૂડીસી દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુલ ૭ પ્રોજેક્ટો પર કામગીરી શરુ કરવામાં આવી હતી. તે અંતર્ગત નડિયાદ, હિંમતનગર, પાટણ, પેટલાદ, મહેસાણા, વડનગર તથા ધોળકા જેવા શહેરોમાં કુલ રૂ.૨૦૪.૮૯ કરોડના ખર્ચે આ સાતેય પ્રોજેક્ટોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જીયૂડીસીએ પાણી પુરવઠા અંગે રાજ્યના 8 શહેરોમાં રૂ.૧૯૯.૨૩ કરોડના ખર્ચે ૮ પ્રોજેક્ટો હાથ ધર્યા હતાં. તેમાં વિજલપોર, તરસાડી, દાહોદ ફેજ-૨, વેરાવળ-પાટણ, પાટણ, તરસાડી ભાગ-૨, કનકપુર કનસાડ તથા સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ આઠેય પ્રોજેક્ટોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને તેનાથી હજારો શહેરીજનોને પાણી પુરવઠાનો લાભ મળતો થયો છે.

જીયૂડીસીએ ભૂગર્ભ ગટર યોજનામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.૧૯૧૯.૫૧ કરોડના કાર્યો પૂર્ણ કર્યા છે. તેમાં ધોળકા, બગસરા, ઉંઝા, કડી, મહેસાણા, ગણદેવી, સિદ્ધપુર, ખેડબ્રહ્મા, ડભોઈ, બારડોલી, અંજાર, નડિયાદ, પેટલાદ, ધ્રાંગધ્રા, બોરસદ, વિસનગર, વલસાડ, નવસારી, પાટણ, માંડવી, હિંમતનગર, પાલીતાણા, બિલીમોરા, સંતરાપુર, વેરાવળ-પાટણ, ખંભાત, વઢવાણ, ભચાઊ, ધરમપુર, પારડી, સોનગઢ, કનકપુર કનસાડ, વિજલપોર, દેવગઢ બારિયા, મહુવા, કલોલ, શહેરા, ઉમરગામ, વ્યારા, ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર, ડીસા, વડનગર, વિરમગામ, સુરેન્દ્રનગર, અમરેલી, વાપી, આણંદ, કાલોલ, ભરૂચ, પાલીતાણા ભાગ-૩ અને કડી ભાગ-૪માં ભૂગર્ભ ગટર યોજનાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ૯ શહેરો એવા છે કે જે જ્યાં રૂ.૨૬૩.૯૭ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ કાર્યો પ્રગતિ હેઠળ છે. તેમાં પાલનપુર, ઉંઝા ભાગ-૨, મોડાસા, રાજપીપળા ભાગ-૧ તથા ભાગ-૨, ગાંધીધામ, ભચાઊ ભાગ-૨, બારડોલી ભાગ-૨, ધોળકા ભાગ-૪ તથા મોરબીનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, વાપીમાં રૂ.૩૧.૫૮  કરોડના ખર્ચે સ્ટૉર્મ વૉટર ડ્રૅનેજ યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.